Get The App

વડોદરાના કમાટીબાગમાં વર્ષો જૂની ફ્લાવર ક્લોકનું મશીન બંધ થઈ જતા ફ્લાવર ક્લોક ઠપ

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
વડોદરાના કમાટીબાગમાં વર્ષો જૂની ફ્લાવર ક્લોકનું મશીન બંધ થઈ જતા ફ્લાવર ક્લોક ઠપ 1 - image

- પ્રવાસીઓમાં આકર્ષણ રૂપ ફ્લાવર ક્લોકમાં નવી મશીનરી ફીટ કરાશે

વડોદરા,તા.21 ડિસેમ્બર 2023,ગુરૂવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાટીબાગ ખાતે ફ્લાવર ક્લોક પ્રવાસીઓમાં વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ગુજરાતમાં જાહેરબાગમાં મૂકવામાં આવી હોય તેવી આ પ્રકારની પ્રથમ ફ્લાવર ક્લોક છે. વર્ષો જૂની આ ફ્લાવર કલોકની મશીનરી હવે રીપેર કરવી અઘરી છે, કેમ કે તેની મશીનરી પણ બહુ જૂની થઈ ગઈ છે. જેથી હવે આ ફ્લાવર ક્લોકની મશીનરી નવી ટેકનોલોજી આધારિત ફીટ કરવામાં આવશે અને ક્લોકને નવેસરથી ચાલુ કરવામાં આવનાર છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા કમાટીબાગ અપગ્રેડેશનની જે કામગીરી હાથ પર લેવામાં આવી છે, તેમાં એક કામ આ ફ્લાવર ક્લોકનું પણ છે. આ માટે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને કામગીરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે, તેમ જાણવા મળ્યું છે. હાલમાં આ ફલાવર ક્લોક બંધ છે અને તેના કાંટા પણ નથી, મશીનરી જૂની થઈ ગઈ હોવાથી ચાલુ કરવા છતાં ટાઈમમાં પાછળ રહે છે, અને યોગ્ય સમય બતાવતી નથી. ગાર્ડનમાં જમીન પર જ આ ઘડિયાળ બનાવવામાં આવી છે. જેનો 20 ફૂટનો ડાયામીટર છે. ક્લોકની મશીનરી અંડરગ્રાઉન્ડ છે. આ ક્લોકમાં સેકન્ડ, મિનિટ અને કલાકનો સમય જોઈ શકાતો હતો. વર્ષો જૂની મશીનરી હોવાથી તેને રીપેર કરવામાં ખૂબ જ તકલીફ પડે છે. હજી આઠ-નવ મહિના પહેલા જ રીપેર કામ કરવામાં આવ્યું હતું, પરંતુ મશીનરી બરાબર કામ કરતી ન હોવાથી ઘડિયાળ ચાલુ બંધ રહ્યા કરતી હતી. આ ઘડિયાળની મોટર પણ સ્થાનિક કારીગરો ખોલી શકે તેમ નથી. કોર્પોરેશન આ ફલાવર ક્લોકને નવેસરથી સજાવશે. નવી ટેકનોલોજી આધારિત જીપીએસ બેઝડ રીયલ ટાઇમ મોનિટરિંગ સિસ્ટમ તેમજ સોલરથી ચાલે તે પ્રકારની મશીનરી ફીટ કરવામાં આવશે. એટલું જ નહીં રાત્રે પણ ઘડિયાળ ઈલ્યુમિનેટ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.


Google NewsGoogle News