વડોદરા જિલ્લામાં પૂરે ખેતીમાં વિનાશ સર્જ્યો, 7049 ખેડૂતોની 6768 હેક્ટર જમીનમાં પાકનું ધોવાણ
260 ગામોમાં ખેડૂતોને ફટકો,જે ખેડૂતોને 33 ટકાથી ઓછું નુકસાન હશે તેમને એક પાઇ પણ નહિ મળે
વડોદરાઃ વડોદરા જિલ્લામાં વિનાશક પૂરે અનેક ખેડૂતોને પાયમાલ કરી દીધા છે.ખેતીવાડી વિભાગના પ્રાથમિક સર્વેમાં ૨૬૦ ગામોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાની વિગતો બહાર આવી છે.
વડોદરા જિલ્લામાં ભારે વરસાદની સાથે સાથે નર્મદા,દેવ નદી,ઢાઢર,વિશ્વામિત્રી જેવી નદીઓના પૂરે ભારે નુકસાન કર્યું હતું.ખેતીના પાકને પણ મોટો ફટકો પડતાં રાજ્ય સરકારે ખેડૂતોને વળતર આપવા માટે સર્વે કરવા ખેતીવાડી વિભાગને સૂચના આપી હતી.
વડોદરા જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારી નિતીન વસાવાએ કહ્યું હતું કે,અમારી ૫૯ ટીમો દ્વારા વડોદરા જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં સર્વે કરવામાં આવ્યો છે.જેના પ્રાથમિક રિપોર્ટમાં ૨૬૦ ગામોમાં ભારે નુકસાન થયું હોવાની માહિતી મળી છે.
જિલ્લાના કુલ ૭૦૪૯ ખેડૂતોની ૬૭૬૮ હેક્ટર જમીનમાં જુદાજુદા પાકોનું ધોવાણ થયું છે.જેમાં સૌથી વધુ વડોદરા,કરજણ અને પાદરા તાલુકામાં થયું છે.આ ખેડૂતોને અંદાજે રૃ.૧૧.૬૧ કરોડ જેટલું વળતર ચૂકવવામાં આવશે.સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયમ મુજબ ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા જ ખેડૂતોને નુકસાનનુ વળતર મળશે.
વડોદરા જિલ્લાના આઠ તાલુકામાંથી શિનોર તાલુકામાં એક પણ ખેડૂત નહિ
સૌથી વધુ વડોદરામાં 2287 અને સૌથી ઓછા ડેસરમાં 69 ખેડૂતોને નુકસાન
વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓમાં પૂરને કારણે ખેડૂતોને નુકસાન થયું હતું.જેમાં શિનોર તાલુકામાં એક પણ ખેડૂતને નુકસાન થયું હોય તેમ દર્શાવાયું નથી.તાલુકા દીઠ ખેડૂતોની સંખ્યા આ મુજબ છે.
તાલુકો ખેડૂતોની સંખ્યા
વડોદરા 2287
કરજણ 1626
પાદરા 1543
સાવલી 965
ડભોઇ 360
વાઘોડિયા 199
ડેસર 69
શિનોર -
સૌથી વધુ કપાસ,શાકભાજી અને કેળને ફટકો
વડોદરા જિલ્લામાં ખેડૂતોના પાકને થયેલા નુકસાનમાં સૌથી વધુ કપાસને નુકસાન થયું છે.જ્યારે ત્યારબાદ શાકભાજી અને કેળને ફટકો પડયો છે.ટૂંક સમયમાં જ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર રિપોર્ટ સરકારને આપવામાં આવનાર છે.