નર્મદા તેમજ મહી નદીના ઘોડાપૂરમાં વડોદરા જિલ્લામાં ૭ તાલુકામાં ૮૯૯૧ હેક્ટર ખેતીની જમીનને નુકસાન

પૂરના કારણે નુકસાનથી ૩૯૧૦ ખેડૂતો અસરગ્રસ્ત ઃ ૧૭૫૨ ઘરોમાં ઘરવખરીને તો ૬૭ ઘરોને સંપૂર્ણ નુકસાન

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
નર્મદા તેમજ મહી નદીના ઘોડાપૂરમાં  વડોદરા જિલ્લામાં ૭ તાલુકામાં ૮૯૯૧ હેક્ટર ખેતીની જમીનને નુકસાન 1 - image

વડોદરા, તા.28 નર્મદા તેમજ મહી નદીમાં આવેલા ભારે પૂરમાં વડોદરા જિલ્લામાં ડભોઇ, શિનોર, કરજણ, ડેસર, સાવલી, વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકામાં ભારે તારાજી સર્જી હતી. આ પૂરમાં અનેક ઘરો, ખેતીની જમીન તેમજ ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં ૮૯૯૧ હેક્ટર જેટલી ખેતીની જમીનમાં વ્યાપક નુકસાન થયું  હતું. વહીવટીતંત્ર દ્વારા નુકસાન માટે વ્યાપક સર્વે હાથ ધરવામાં આવ્યો  હતો જેમાં ઉપરોક્ત જમીનોમાં નુકસાન થયું  હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે જેમાં સૌથી વધુ ડભોઇ તાલુકાના નદી કાંઠાના ગામોમાં ભારે તારાજી સર્જાઇ હતી જ્યારે સૌથી ઓછું નુકસાન ડેસર તાલુકાને થયું હોવાનું જાણવા મળ્યું છે. ડેસર તાલુકાના ૭ ગામોમાં ખેતીની જમીનને નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે.

કુલ ૮૯૯૧ હેક્ટર જમીન પૈકી ૭૬૦૭ હેક્ટર જમીન પર તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે જ્યારે ૧૩૮૪ હેક્ટર જમીનમાં કેટલું નુકસાન થયું છે તેનો સર્વે હજી બાકી છે. ઉલ્લેખનીય છે કે નર્મદા અને મહી નદીમાં આવેલા પૂરમાં ખેતીની જમીનમાં નુકસાન થતાં કુલ ૩૯૧૦ ખેડૂતો અસરગ્રસ્ત થયા છે. આ ઉપરાંત ૧૭૫૨ ઘરોમાં ઘરવખરીને નુકસાન થયું છે. ૬૦ કાચા અને ૭ પાકા ઘરો પૂરમાં સંપૂર્ણ નાશ પામ્યા હતાં. સૂત્રોએ કહ્યું હતું કે પૂરથી અસર પામેલા કુંટુંબો પૈકી ૧૭૪૬ કુંટુંબોને કેશડોલ્સ ચૂકવવામાં આવી છે.



Google NewsGoogle News