વડોદરા સ્માર્ટ સિટીમાં ટેક્સ ચુકવીને ગામડા કરતા પણ ખરાબ હાલતમાં રહેતા રહીશો

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
વડોદરા સ્માર્ટ સિટીમાં ટેક્સ ચુકવીને ગામડા કરતા પણ ખરાબ હાલતમાં રહેતા રહીશો 1 - image


Flood in Vadodara : વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ પણ શહેરવાસીઓની સમસ્યાનો કોઇ અંત જણાતો નથી. શહેરના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ રોડ પરની સોસાયટી-ફ્લેટ્સ તરફ જતો રસ્તો ખાડા-ટેકરા વાળો છે. એટલું જ નહી અહિંયા આવેલા સિદ્ધાર્થ એન્કલેવ ફ્લેટ્સમાં રહેતા લોકો પીવાનું પાણી ટેન્કર મારફતે મંગાવે છે, ગટરના ઢાંકણા ખુલ્લા છે, ગટરની આસપાસ પણ ખાડા કરીને મુકી રાખવામાં આવ્યા છે. એક ખાડથી બચવા જાઓ તો બીજા બે ખાડાનો ભોગ બનો તેવી સ્થિતીથી સ્થાનિકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે. સ્થાનિક યુવાને જણાવ્યું કે, અમે સ્માર્ટ સિટીનો ટેક્સ ચુકવીને ગામડા કરતા પણ ખરાબ હાલતમાં રહેવા મજબુર છીએ.

વડોદરા સ્માર્ટ સિટીમાં ટેક્સ ચુકવીને ગામડા કરતા પણ ખરાબ હાલતમાં રહેતા રહીશો 2 - image

મોટનાથ રોડ પર આવેલા સિદ્ધાર્થ એન્કલેવમાં રહેતા આકાશ પટેલે જણાવ્યું કે, મેં અહિંયા વર્ષ 2021માં મકાન ખરીદ્યું હતું. ત્યારથી કોઇકને કોઇ સમસ્યા ચાલી રહી છે. નાની-મોટી સમસ્યાને લઇને વારંવાર અવાજ ઉઠાવો ત્યારે જ કોર્પોરેટરના પેટનું પાણી હાલે છે. છેલ્લા 6 મહિનાથી અમારી હાલત બદથી બદતર થઇ રહી છે. અમારા રોડ પર નાના-મોટા ખાડાઓ જ ખાડાઓ છે. અમારૂ પીવાનું તથા વપરાશનું પાણી ટેન્કર મારફતે મંગાવવું પડે છે. આ વાતને 5 મહિના જેટલો સમય થયો છે. ચોમાસાની ઋતુમાં અમારા રોડ પર ગટરની ચેમ્બરો ઢાંકણા વગરની ખુલ્લી પડી છે. આ ચેમ્બરોની ફરતે પણ મોટા ખાડા કરીને મુકી રાખવામાં આવ્યા છે. કેટલીક જગ્યાઓએ તેમાં આડાશ મુકી છે, તો કેટલીક ચેમ્બરો અત્યંત જોખમી સ્થિતીમાં ખુલ્લી હાલતમાં જ છે.

વડોદરા સ્માર્ટ સિટીમાં ટેક્સ ચુકવીને ગામડા કરતા પણ ખરાબ હાલતમાં રહેતા રહીશો 3 - image

આકાશ પટેલે ઉમેર્યું કે, અમે સ્માર્ટ સિટીમાં ટેક્સ ચુકવીને ગામડા કરતા પણ વધારે ખરાબ હાલતમાં રહીએ છીએ. રાત્રીના સમયે અમારે ત્યાં સ્ટ્રીટ લાઇટ ના હોવાના કારણે એક ખાડામાંથી બચીએ તો બીજા બે ખાડામાં વાહન ઘૂસી જાય તેવું થાય છે. વરસાદના પાણી ખાડામાં ભરાઇ જાય છે. ક્યારેક તેમાં ડ્રેનેજ ઉભરાઇને મિશ્રિત થઇ જાય છે. જેથી ઉબકા આવે તેવી સ્થિતીમાં આ રસ્તે પસાર થવું પડે છે. અમારા વિસ્તારના કોર્પોરેટરો આવે છે, જોઇને જતા રહે છે, પરંતુ સમસ્યાનો ઉકેલ કરવા માટે કંઇ કરતા નથી. અમારે ત્યાં એક ફ્લેટ્સ અને બે રેસીડેન્શીયલ ટેનામેન્ટની સાઇટ છે. જેમાં 350 થી વધુ મકાનો આવેલા છે. જેમાં આશરે 1200 થી વધુ લોકો રહે છે. આટલી મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલી પડતી હોવા છતાં સ્માર્ટ સિટીમાં તેનો ઉકેલ ના લાવવો શરમજનક બાબત છે.

આખરમાં આકાશ પટેલે ઉમેર્યું કે, કોઇ સમસ્યા ઉજાગર કર્યાના એક વખતમાં તેનો ઉકેલ આવ્યો હોવાનું મારા ધ્યાનમાં નથી. નિયમીત પાલિકાનો ટેક્સ ભર્યા બાદ પણ આવા દિવસો આવશે તેવો અમને સ્વપ્નેય અંદાજો ન્હતો.


Google NewsGoogle News