માઈક્રોસોફટનુ સર્વર ઠપ થતા વડોદરાથી દિલ્હી અને મુંબઈ વચ્ચેની બે ફ્લાઈટો રદ
વડોદરાઃ માઈક્રોસોફટનું સર્વર ઠપ થવાના કારણે દુનિયાભરના વિવિધ ક્ષેત્રોમાં તેની અસર વરતાઈ હતી.ખાસ કરીને ભારત સહિત દુનિયાના વિવિધ દેશોના એરપોર્ટ પર કોમ્પ્યુટરાઈઝડ કામગીરી સર્વર ઠપ થવાના કારણે રોકાઈ જતા ફ્લાઈટો કેન્સલ થઈ હતી અને હજારો મુસાફરો રઝળી પડયા હતા.
ગુજરાતમાં પણ વિવિધ શહેરોના એરપોર્ટ પર ૧૩ જેટલી ફલાઈટો રદ કરાઈ હોવાનુ જાણવા મળ્યુ છે.વડોદરા એરપોર્ટ પર રાતની દિલ્હી તેમજ મુંબઈની ફ્લાઈટ કેન્સલ કરાઈ હોવાની માહિતી મળી છે.સૂત્રોએ કહ્યુ હતુ કે, દિલ્હીથી વડોદરા આવતી અને ફરી દિલ્હી ઉડાન ભરતી તેમજ મુંબઈથી વડોદરા આવતી અને મુંબઈ જતી એમ બે ફ્લાઈટ રદ કરવી પડી છે.
ઉપરાંત આજે વહેલી સવારે દિલ્હીથી વડોદરા આવતી અને વડોદરાથી સવારે ૭- ૪૦ વાગ્યે દિલ્હી જતી ફ્લાઈટ પણ સર્વરમાં સર્જાયેલી સમસ્યાના કારણે મોડી પડી હતી.એરપોર્ટ સ્ટાફને કોમ્પ્યુટરો કામ નહીં કરતા હોવાના કારણે હાથથી બોર્ડિંગ પાસ બનાવવાની ફરજ પડી હતી.જોેકે રાતની બંને ફ્લાઈટ કેન્સલ કરાવનો નિર્ણય લેવાયો હતો.
દરમિયાન વડોદરા શહેરમાં પણ માઈક્રોસોફટનુ સર્વર ડાઉન થવાનો મુદ્દો સવારથી ચર્ચાનો વિષય રહ્યો હતો.