સાવલીમાં 10 લાખમાં સોદો નક્કી કરી કાંટાવાળો ઉંદર વેચવા આવેલા પાંચ ઝડપાયા
વન્ય પ્રાણી ક્રુરતા રોકવા માટે કામ કરતી સંસ્થાના કાર્યકરો, વન વિભાગ અને પોલીસે સંયૂક્ત ઓપરેશન કરીને ગેંગને ઝડપી પાડી
સાવલી : વડોદરા જિલ્લાના સાવલી ખાતે તાંત્રિક વિધિના નામે વન્ય જીવોનું વેચાણ કરતી ગેંગ ઝડપાઇ છે. પ્રાણી ક્રતાની ટીમને બાતમી મળતા સાવલી પોલીસ અને ફોરેસ્ટ વિભાગને સાથે રાખીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગેંગના પાંચ આરોપીઓ ઝડપાયા છે. પોલીસ આ પાંચ આરોપીઓને કાલે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરશે.
વન્ય પ્રજાતિઓની દુર્લભ પ્રજાતિઓ પર તાંત્રિક વિધિ કરીને પૈસા પડાવવા તેમજ આથક લાભ લેવા માટે વિવિધ ગેંગ રાજ્યમાં કાર્યરત છે ખાસ કરીને આંધળી ચાકરણ, કાંટા શેરીયુ (કાંટાવાળો ઉંદર- શેળો) સહિતના વિવિધ પ્રાણીઓની તાંત્રિક વિધિના નામે ક્રુરતા પુર્વક હત્યા કરવામાં આવે છે. આવા વન્ય જીવોને અને દુર્લભ પ્રજાતિને બચાવવા માટે વિવિધ સંસ્થાઓ ફોરેસ્ટ વિભાગ અને પોલીસને સાથે રાખીને વન્ય જીવોનું વેચાણ કરતી ગેંગને ઝડપી પાડવા માટે કાર્યરત રહે છે. દરમિયાનમાં ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણના સભ્યને માહિતી મળી હતી કે સાવલી તાલુકામાં કેટલાક વ્યક્તિઓ દુર્લભ વન્યા પ્રજાતિના ખરીદ-વેચાણનો ધંધા કરે છે. જેથી નકલી ગ્રાહક બનીને છટકું ગોઠવવામાં આવ્યુ હતું અને અને બે કાંટા સેરિયા માટે રૃ.૧૦ લાખમાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો.
સોદા પ્રમાણે પાંચ વ્યક્તિઓ આજે સાવલી ખાતે ડિલવરી કરવા આવ્યા હતા ત્યારે સાવલી પોલીસ અને ફોરેસ્ટ વિભાગે આ તમામ આરોપીઓને બે કાંટા શેરિયા સાથે ઝડપી પાડયા હતા.જેમાં ૧.સોમા બાબુભાઈ ચૌહાણ (રહે. અંધારવાડી તા.સાવલી), ૨.અમૃત શંકરભાઈ સોનારા (રહે.અમદાવાદ), ૩.દિલીપ રામસીંગ બિહોલા (રહે.અમદાવાદ), ૪.સંજય કરખાસિંહ ગોહીલ (રહ.ે બેચરી ઉમરેઠ) અને ૫. વિજય દશરથભાઈ પરમાર (રહે.અંધારવાડી તા.સાવલી) નો સમાવેશ થાય છે.