વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવો ઝુંબેશ જારી : પાંચ ટ્રક ભરી સામાન જપ્ત, ગેરકાયદે બાંધકામ તોડ્યા
વડોદરા,તા.12 જાન્યુઆરી 2024,શુક્રવાર
વડોદરા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર હંગામી દબાણ કરનારાઓ સામે છેલ્લા કેટલાક દિવસોથી પાલિકાની દબાણ શાખાએ લાલ આંખ કરી રહી છે. દબાણ શાખાની ટીમે વિવિધ વિસ્તારોમાંથી પાંચ ટ્રક જેટલો સામાન કબજે લીધો છે. જ્યારે અટલાદરામાં નડતર ગેરકાયદેસર ઊભું કરવામાં આવેલ દબાણ તોડી પાડવામાં આવ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી પાલિકાની દબાણ શાખા લારી, ગલ્લા-પથારા જેવા નડતરરૂપ દબાણો અસરકારક રીતે દૂર કરી રહી છે. પાલિકાની દબાણ શાખાએ આજે અક્ષર ચોકથી સનફાર્મા રોડ થઈ અટલાદરા સુધીના હંગામી દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી. અહીંથી એક ટ્રક જેટલો સામાન કબ્જે લેવામાં આવ્યો હતો. ઉપરાંત ગત રાત્રે અટલ બ્રિજ નીચે મનીષા ચોકડીથી શરૂ કરી છેક ગેંડા સર્કલ સુધી રાત્રિના સમયે બ્રિજ નીચે ઊભું કરવામાં આવતું હંગામી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. દબાણ શાખાની ટીમે સમગ્ર બ્રિજ નીચે બે ટ્રક જેટલો સામાન કબ્જે લઈ સેન્ટ્રલ સ્ટોરમાં ખસેડ્યો હતો. તેવી જ રીતે, ગેડા સર્કલથી ઇનોર્બિટ મોલ સુધી ફૂટપાથ પર વારંવાર ઊભું થતું દબાણ દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત બે ટ્રક જેટલો સામાન કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે અટલાદરા મહારાજા ચોકડી પાસે માર્જિનની જગ્યામાં એક મિલકત ધારકે બે ઓરડી, બે શેડ અને લોખંડની સીડી બનાવી દીધી હતી. પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના મુજબ દબાણ શાખાની ટીમે સ્થાનિક અટલાદરા પોલીસના બંદોબસ્ત સાથે આજે અહીંથી બે ઓરડી, બે શેડ અને લોખંડની સીડી દૂર કરી જગ્યા ખુલ્લી કરી હતી.