તરસાલી હાઇવે પર બાઇક સવારને આંતરીને પાંચ હજાર લૂંટી લીધા
ફોન પે થી ચાર હજાર ટ્રાન્સફર કરી લઇ આરોપીઓ ભાગી છૂટયા
વડોદરા,તરસાલી હાઇવે પર બાઇક સવારને આંતરીને રિક્ષા ચાલક અને તેના સાગરીતોએ હુમલો કરી પાંચ હજાર રોકડા લૂંટી લીધા હતા. તેમજ ફોન પે થી ચાર હજાર ટ્રાન્સફર કરી લીધા હતા.
રાજસ્થાનના નાગૌર જિલ્લાના રઘુનાથપુરા ગામે રહેતો સોનુ ઓમપ્રકાશ પ્રજાપતિ ( ઉં.વ.૨૭) હાલમાં ખોડિયાર નગર ક્રિષ્ણા નગરમાં રહે છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે રાતે સાડા આઠ વાગ્યે હું મારી બાઇક લઇને મારા મિત્ર વિકાસ રામપ્રસાદ દૂબે સાથે કરજણ જવા માટે નીકળ્યો હતો. હાઇવે પર તરસાલી ચોકડીથી જાંબુવા બ્રિજ તરફ જતા મહાદેવ હોટલ નજીક કચરાના ઢગલા પાસે એક રિક્ષા ચાલકે મારી બાઇક આંતરી મને ઉભો રાખ્યો હતો. રિક્ષામાં બે વ્યક્તિઓ બેઠા હતા. મારો મિત્ર વિક્રમ કુમાવત ગભરાઇ જતા તે બાઇક પરથી ઉતરીને ભાગી ગયો હતો.રિક્ષા ચાલક અને તેના બે સાગરીતોએ મારી સાથે બોલાચાલી ઝઘડો કરી મારા શર્ટના ખિસ્સામાંથી રોકડા પાંચ હજાર લૂંટી લીધા હતા.તેમજ મારા મોબાઇલથી ફોન - પે થી અજાણ્યા વ્યક્તિને ૪ હજાર ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ત્રણેય આરોપીઓ રિક્ષામાં બેસીને સુરત તરફ ભાગી ગયા હતા. કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.