અગનગોળા વરસાવતી ગરમીમાં મહિલા, માનસિક અસ્વસ્થ સહિત પાંચના મોત

છેલ્લા આઠ દિવસમાં ૩૩ લોકોએ જીવ ગુમાવ્યા : તાવ, ચક્કર, ગભરામણ થયા પછી બેભાન થવાના વધતા કિસ્સા

Updated: May 25th, 2024


Google NewsGoogle News
અગનગોળા વરસાવતી ગરમીમાં મહિલા, માનસિક અસ્વસ્થ સહિત પાંચના મોત 1 - image

,આકાશમાંથી આગ ઓકતી ગરમીમાં મોતનો સિલસિલો ચાલુ રહ્યો છે. ચોવીસ કલાક દરમિયાન બે મહિલા, માનસિક અસ્વસ્થ યુવક સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા આઠ દિવસમાં ગરમીમાં ૩૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે, ગરમીના કારણે જ મોત થયાનું હજી સ્પષ્ટ થયું નથી.

સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં કાલુમીંયાની ચાલીમાં રહેતા ૬૦ વર્ષના શારદાબેન રામસીંગભાઇ ગોહિલ  એસ.ટી.ડેપો સામે પુત્રના ઘરે ગયા હતા. ગત તા.૨૩ મી એ તેઓ બેભાન થઇ જતા  તેમનો  પુત્ર સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે.

અન્ય એક બનાવમાં જી.આઇ.ડી.સી. વડસર રોડ પર રહેતા અને કટલરીની દુકાન ચલાવતા ૫૯ વર્ષના કૃષ્ણન વેંકટા સૂરીએ લગ્ન કર્યા નહતા. બે દિવસથી તેઓની તબિયત સારી નહતી. ગઇકાલે સાંજ ેતેઓને અચાનક લોહીની ઉલટીઓ થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં તેમના બનેવી લઇ આવ્યા હતા. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું.

જ્યારે માંજલપુર દરબાર ચોકડી  પાસે રહેતો ૩૯ વર્ષનો યુવાન છેલ્લા ૧૫ વર્ષથી માનસિક બીમાર હતો. બે દિવસથી તેની તબિયત વધારે બગડી હતી. તેનું પણ મોત થયું હતું.

કિશનવાડી ભાથુજી નગરમાં રહેતો ૪૨ વર્ષનો જતીન કનુભાઇ પરમાર કલર કામ કરે છે. ધોમધખતા તાપમાં કામ કરતો જતીન ગઇકાલે ઘરે આવતા જ બેભાન  થઇને ઢળી પડયો હતો. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.

જરોદ ગામ આઝાદ ચોકમાં રહેતા ૬૦ વર્ષના જયશ્રીબેન રાજેશભાઇ ધોબી ગઇકાલે બીમાર  પુત્રને બતાવવા માટે રેફરલ હોસ્પિટલ ગયા હતા. ત્યાંથી માતા - પુત્ર ઘરે પરત આવતા હતા. પુત્રને રિક્ષામાં બેસાડી માતા ચાલતા ઘરે આવતા હતા. બપોરની આગ ઓકતી ગરમીમાં તેઓ બેભાન થઇને ઢળી પડયા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. હીટવેવના કારણે તેઓનું મોત  થયું હોવાની શક્યતા છે.


Google NewsGoogle News