ટાયર ફાટતા કાર પલટીને નાળામાં ખાબકતા પરિવારના પાંચના મોત
લીમખેડાના પાલ્લીમાં રહેતા પરિવાર માથે આભ ફાટયું : કાર પલટીને ડિવાઇડર કૂદાવી ગઇ : નાળામાં ડૂબી જતાં મોત
દાહોદ,લીમખેડા,રાજસ્થાનના ફલોદી ખાતે મરણ પ્રસંગે હાજરી આપવા જઇ રહેલા લીમખેડા તાલુકાના એક જ પરિવારને શિરોહી નજીક નેશનલ હાઇવે નંબર ૬૨ ઉપર કારનું ટાયર ફાટતા કાર પલટીને પાણી ભરેલા નાળામાં ખાબકતા ડૂબી જવાથી પરિવારના પાંચ સભ્યો કાળનો કોળિયો બની ગયા હતા. પરિવારની અન્ય મહિલા ઇજાગ્રસ્ત સાથે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ફલોદી તરફ પૂરપાટ જઇ રહેલી ફોર વ્હીલર ગાડીનું આગળનું ટાયર ફાટતા બેકાબૂ બનેલી ગાડી ડિવાઇડર કુદી રોડની બીજી બાજુ પાણી ભરેલા નાળામાં ખાબકી હતી. જેમાં પતિ-પત્ની, પુત્રવધૂ, પૌત્ર, પુત્રવધૂ અને પિતરાઇ ભાઇ સહિત પાંચના મોત થયા હતા. મૂળ રાજસ્થાનના પરંતુ છેલ્લા ૪૦ વર્ષથી દાહોદ જિલ્લામાં વસવાટ કરતા આ રાજસ્થાની પરિવારનો માળો અકસ્માતમાં વિખેરાઇ જતા પરિવારજનોમાં ઘેરાશોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં પાલ્લી ખાતે છેલ્લા ૪૦ વર્ષથી વસવાટ કરી શ્રીરામ હોટલ ચલાવતા અને રાજસ્થાનના જોધપુર ફલોદી ખાતેના રહેવાસી પ્રતાપ કાંતિલાલ ભાટી (ઉંમર વર્ષ ૫૩) તેમની પત્ની ઉષા પ્રતાપ ભાટી (ઉંમર વર્ષ ૫૦) પુત્રવધૂ પુષ્પા જગદીશ ભાટી (ઉંમર વર્ષ ૨૫) તેમજ ૧૧ મહિનાનો પૌત્ર આશુ જગદીશ ભાટી, તેમના જ પરિવારના લીમડી ખાતે રહેતા રમેશ ઉર્ફે રામુરામ પ્રેમરામ ભાટી તેમની પત્ની શારદા રમેશ ભાટી (ઉંમર વર્ષ ૫૦) સ્વીફટ ડિઝાયર કાર લઇને જોધપુર નજીક ફલોદીના ખારાગાવ ખાતે મરણ પ્રસંગમાં હાજરી આપવા ગઇકાલે રવાના થયા હતા. આજે સવારે સાત વાગ્યાના અરસામાં શિરોહી નજીક નેશનલ હાઇવે નંબર ૬૨ ઉપર સરણેશ્વર મંદિર પાસે પુલ નજીક કારનું આગલું ટાયર ફાટતા કાર બેેકાબૂ બની હતી. ડિવાઇડર કુદીને રોડની બીજીબાજુ પાણી ભરેલા નાળામાં કાર ખાબકતા કારમાં સવાર છ પૈકી બે પુરૃષો, બે મહિલાઓ તેમજ એક બાળકનું ડુબી જવાથી મોત નીપજ્યું છે. જ્યારે ૫૦ વર્ષીય શારદાબેન ઇજાગ્રસ્ત થતા શિરોહી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે.
અકસ્માતમાં એક જ પરિવારના પાંચના મોતના બનાવની જાણ થતા કલેકટર અને ઉચ્ચ અધિકારીઓ, એસપી, ડીએસપી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતકોને ખાડામાં ખાબકેલી ગાડીમાંથી બહાર કાઢી પીએમ અર્થે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામના પીએમ કરવામાં આવ્યા બાદ પરિવારજનોને મૃતદેહો સુપરત કરવામાં આવ્યા છે. આવતીકાલે પાંચે વ્યક્તિઓની સાગમટે અંતિમવિધિ તેમના માદરે વતન ખારીગાવ ખાતે કરવામાં આવશે.