મહેમદાવાદ તાલુકામાં પશુ ચોરતી ગેંગના પાંચ સાગરિતો ઝડપાયા
ધોળકાના પાંચ શખ્સોને કણભા પોલીસે પકડયા
મોટી ટિમલી, જીંજર, રતનપુર, રૂદન ગામોમાંથી ૧૭ પશુઓ ચોર્યાની કબૂલાત
નડિયાદ: મહેમદાવાદ તાલુકામાં પશુ ચોરી કરતી ગેંગના પાંચ સાગરિત કણભા પોલીસે પકડી પાડયા છે. ધોળકાના પાંચ શખ્સોએ ૪ ગામમાંથી ૧૭ પશુઓ ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.
કણભા પોલીસે અમદાવાદ જિલ્લાના ધોળકામાં રહેતા પાંચ પશુ ચોર ટોળકીને ઝડપી પાડી હતી. જેમની પૂછપરછમાં આ ટોળકીએ મહેમદાવાદ તાલુકાના જુદા જુદા ગામોમાંથી પશુઓની ચોરી કર્યાની કબુલાત કરી હતી.
જેમાં મહેમદાવાદ તાલુકાના મોટી ટિમલી સીમમાં રહેતા કાળાભાઈ બાબરભાઈ સોઢાની બે ભેંસ, ચીમનભાઈ મોહનભાઈ સોઢાની એક ભેંસ તેમજ જીવણભાઈ પુનમભાઈ સોઢાની એક ભેંસ મળી ૪ પશુઓ કિંમત રૂ.૬૦ હજારની ચોરી થઈ હતી. આ ઉપરાંત જીંજર નવા ઘરામાં રહેતા મજીદખાન અહેમદ ખાન પઠાણની ત્રણ ભેંસો, નાસીર હસુમીયા મલેકના બે પશુ તેમજ અલાદીનમિયા મલેકની બે પાડીઓ મળી કુલ ૭ પશુ કિંમત રૂ.૭૫,૦૦૦ ની ચોરી થઈ હતી. જ્યારે રતનપુર સરસવણીમાં રહેતા ખોડાભાઈ પુંજાભાઈ ચૌહાણની બે તેમજ પંકજભાઈ મોહનભાઈ ચૌહાણની એક ભેંસ મળી ૩ પશુઓ કિંમત રૂ.૪૫,૦૦૦ ની તસ્કરો ચોરી ગયા હતા. આ ઉપરાંત રૂદનમાં રહેતા વિનુભાઈ વજાભાઈ સોલંકીની એક તથા જારીયામાં રહેતા કમલેશભાઈ રાજેન્દ્રભાઈ પરમારની બે ભેંસ મળી કુલ ત્રણ પશુઓ કિંમત રૂ.૪૫,૦૦૦ ના પશુની ચોરી થઈ હતી.
આ ચારે બનાવો અંગે મહેમદાવાદ પોલીસે સરફરાજ ઉર્ફે સફુ ઐયુબ નુર મહંમદ કુરેશી, મોસીન હુસેનશા ફકરી, એજાજ ઉર્ફે ગટુ મહંમદ ઇસ્માઈલ કુરેશી, જાવેદ ઉર્ફે જાલો તથા મુઝફફર ઉર્ફે મુજું ઐયુબમિયાં કુરેશી તમામ (રહે.ધોળકા) સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.