Get The App

કેદારનાથમાં ફસાયેલા વડોદરાના પાંચ મિત્રો જાતે પહાડ પાર કરીને સલામત સ્થળે પહોંચ્યા

સ્હેજ પણ ચૂક થાય તો જીવ જાય તેવી સ્થિતિ હતી : સ્થાનિક પહાડીવાસીઓએ મદદ કરી

૪૦ ફૂટ ઉંચો પહાડ ચઢ્યા અને ઉતર્યા

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
કેદારનાથમાં ફસાયેલા વડોદરાના પાંચ મિત્રો જાતે  પહાડ પાર કરીને સલામત સ્થળે  પહોંચ્યા 1 - image

વડોદરા,કેદારનાથની યાત્રાએ ગયેલા વડોદરાના પાંચ યુવાનો વરસાદના તાંડવમાં ફસાઇ ગયા હતા. ગૌરી કુંડથી જંગલના રસ્તે તેઓ સોન પ્રયાગ પહોંચ્યા હતા. ત્યાંથી આગળ જવાનો રસ્તો પણ બંધ હોવાથી તમામ યુવાનો ફસાયા હતા. આજે સવારે તેઓ હિંમત કરીને ૪૦ ફૂટ ઉંચો પહાડ ચઢીને સ્થાનિક રહીશોની મદદથી સલામત સ્થળે પહોંચ્યા હતા. રાતે જ તેઓ કાર ભાડે કરીને હરિદ્વાર આવવા રવાના થયા છે. મોડીરાતે બે વાગ્યે તેઓ હરિદ્વાર પહોંચશે.

આર.વી. દેસાઇ રોડ પર શુભમ એવન્યુમાં રહેતો કૈલાસ પોહાની તેનો ભાઇ કમલેશ તથા તેના મિત્રો નિલેશ બખ્તરવાલા, રમેશ નાગદેવ તથા મહેશ પરમાર ગત તા. ૨૮ મી એ વડોદરાથી દિલ્હી ગયા હતા. ત્યાંથી તેઓ કેદારનાથ પહોંચ્યા હતા. પરંતુ, દર્શન કરે તે  પહેલા જ વાદળ ફાટતા જળ પ્રલયની સ્થિતિ સર્જાઇ હતી. કૈલાસ પોહાનીએ જણાવ્યું હતું કે, કેદારનાથમાં ઠેર - ઠેર પહાડ ધસી પડયા હતા. તેના કારણે અમે ફસાઇ ગયા હતા. પરિસ્થિતિ એટલી વિકટ હતી કે,  અમે દર્શન કર્યા વગર જ પરત ફરવાનું નક્કી કર્યુ હતું. પરંતુ,રસ્તાઓ પર માટી ધસી ગઇ હોવાથી તથા પુલ ધરાશાયી થઇ ગયા હોવાથી નીકળવું મુશ્કેલ  હતું. તેવામાં અમે હિંમત કરીને ગૌરી કુંડથી જંગલના રસ્તે નીચે ઉતરવાનું શરૃ કર્યુ હતું. ત્યારબાદ અમે સોનપ્રયાગ પહોંચ્યા હતા. ત્યાં અમે પહાડ પર આવેલા ગણપતિ મંદિર પહોંચ્યા હતા. દરમિયાન સ્થાનિક  પહાડવાસીઓએ  અમને એક બીજો રસ્તો બતાવ્યો હતો. તેમાં ૪૦ ફૂટ ઉંચાઇએ ચઢીને ગયા પછી નીચે ઉતરવાનું હતું. ત્યાં કોઇ પાણીના પ્રવાહમાંથી  પસાર થવાનું નહતું. જેથી, અમે પાંચેય મિત્રોએ તે રસ્તે જવાનું જોખમ ઉઠાવ્યું હતું. આ રસ્તો પણ માત્ર સિંગલ પગદંડી જેવો હતો. સ્હેજ પણ ચૂક થાય તો અમે પહાડ પરથી નીચે  પટકાઇએ. પરંતુ,સ્થાનિક પહાડીવાસીઓએ અમારી મદદ કરી હતી. પાંચ કલાક પછી અમે સલામત સ્થળે  પહોંચ્યા હતા. ત્યાંથી અમે કાર ભાડે કરી હરિદ્વાર જવા નીકળી ગયા છે. રાતે બે વાગ્યે અમે હરિદ્વાર પહોંચી જઇશું.



રેસક્યૂ ટીમ આવીને ભારે વરસાદ શરૃ થયો હતો

રેસક્યૂ ટીમ જે રસ્તે લઇ જવાની હતી, તે રસ્તે  જવામાં અમને વધારે જોખમ લાગ્યું

વડોદરાકૈલાસ પોહાનીએ જણાવ્યું હતું કે, સોન પ્રયાગમાંથી  અમને રેસક્યૂ કરવા માટે એક ટીમ ગુજરાત સરકારના પ્રયાસોથી આવી હતી. તેવામાં જ ભારે વરસાદ શરૃ થતા તેઓએ રેસક્યૂ ટીમે જણાવ્યું હતું કે, વરસાદમાં જોખમ વધારે છે. આવતીકાલે આપણે નીકળીશું. પરંતુ, અમારી હિંમત વધારે  રોકાવાની નહતી. તદુપરાંત રેસક્યૂ ટીમે જે રસ્તે જવાનું કહ્યું હતું. તે રસ્તે ૪૦ ફૂટ ઉંડી ખીણમાં ઉતરવાનું હતું. ત્યારબાદ પાણીના ધસમસતા પ્રવાહમાંથી ચાલતા નીકળી સામે કિનારે જઇ ફરીથી ૪૦ ફૂટનું ચઢાણ હતું. તે રસ્તે જવાની અમારી  હિંમત ના થઇ.



સોન પ્રયાગથી   હરિદ્વારના રસ્તા  પર પણ ઠેર - ઠેર પહાડ ધસી પડયા હતા

 વડોદરા,કૈલાસે જણાવ્યું હતું કે, અમે કાર ભાડે કરીને હરિદ્વાર જવા નીકળ્યા છે. પરંતુ, આ રસ્તા પર પણ ૬૦ થી ૭૦ કિ.મી.સુધી ઠેર - ઠેર માર્ગ પર પહાડો ધસી પડયા હતા. જેના કારણે અમારે ખૂબ જ સાવચેતીથી જવું પડતું હતું. કૈલાસે જણાવ્યું હતું કે, સ્થાનિક પ્રશાસન નિષ્ફળ રહ્યું હતું. કેટલાક કર્મચારીઓનું વર્તન ખૂબ જ ખરાબ હતુ. જળ પ્રલયમાં ફસાયેલા લોકોની માનિસક સ્થિતિ પણ ખૂબ ખરાબ હતી. તેવા સંજોગોમાં પ્રવાસીઓ સાથે તેઓનું વર્તન અયોગ્ય હતું.


પહાડ ઉતરતા સમયે રેસક્યૂ ટીમ મદદે આવી

વડોદરા,અમે પાંચેય મિત્રો પહાડ ચઢીને ઉતર્યા હતા. પહાડ ઉતરતા સમયે ત્યાં હાજર રેસક્યૂ ટીમ અમારી મદદે આવી હતી. તેઓએ રસ્સી સાથે અમને નીચે ઉતાર્યા હતા. પરંતુ, પહાડ ચઢ્યા ત્યારે કોઇ મદદે નહતું. અમે જાતે જ હિંમત કરીને પહાડ પર ચઢ્યા હતા.


Google NewsGoogle News