સતત ત્રીજા દિવસે વડોદરાની પાંચ ફ્લાઈટો કેન્સલ થઈ
વડોદરાઃ દિલ્હીમાં ધુમ્મસના કારણે આજે સતત ત્રીજા દિવસે વડોદરાથી દિલ્હી અને મુંબઈ તેમજ બેંગ્લોરની પાંચ ફ્લાઈટો રદ કરવામાં આવી હતી.જેના કારણે ૧૨૦૦ જેટલા મુસાફરો અટવાઈ ગયા હતા.એરપોર્ટ પર પહોંચેલા મુસાફરોમાં ફ્લાઈટ રદ થવાની જાહેરાત બાદ ભારે નારાજગી જોવા મળી હતી.
રદ થયેલી ફ્લાઈટોમાં સવારે વડોદરાથી દિલ્હી અને મુંબઈ જતી બે ફ્લાઈટ, બેંગ્લોરથી વડોદરા આવતી બપોરની એક ફ્લાઈટ અને સાંજે વડોદરાથી દિલ્હી તેમજ મુંબઈ ઉડાન ભરતી બે ફ્લાઈટ એમ કુલ પાંચ ફ્લાઈટ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.સૂત્રોનુ કહેવુ છે કે, નાગરિક ઉડ્ડયન મંત્રીના નવા આદેશ પ્રમાણે જે ફ્લાઈટ ટેક ઓફ કરવામાં ત્રણ કલાક કે તેના કરતા વધારે વિલંબ થવાનો હોય તો તે ફ્લાઈટ રદ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા રવિવાર અને સોમવાર એમ બે દિવસમાં અડધો ડઝન ફ્લાઈટો વડોદરાથી ઉડાન ભરી શકી નહોતી.હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૨૦ ડિસેમ્બર સુધી દિલ્હીમાં ધુમ્મસ છવાયેલુ રહે અને વિઝિબિલિટી ખરાબ રહે તેવી શક્યતા છે.આ સંજોગોમાં વધુ કેટલીક ફ્લાઈટો રદ થાય તેવી શક્યતા છે.
ફ્લાઈટો રદ થવાના કારણે સૌથી વધારે પરેશાની એવા લોકો ભોગવી રહ્યા છે જેમને દિલ્હી કે મુંબઈથી આગળની કનેકટિંગ ફ્લાઈટ લેવાની છે.તેમના શિડયુલ ખોરવાઈ રહ્યા છે.