કલોલમાં ટાઇફોઇડના કેસ સામે આવ્યા પાંચ બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
ડબલ ઋતુને પગલે તાવ સહીતની વાઇરલ બીમારી વધી
કલોલ : કલોલમાં ટાઇફોઇડના પાંચ જેટલા કેસ સામે આવ્યા છે. શહેરની બે
ખાનગી હોસ્પિટલમાં ટાઇફોઇડના બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. પૂર્વ વિસ્તારમાં
રહેતા બાળકોને ટાઇફોઇડની અસરને કારણે સારવાર આપવામાં આવી રહી છે. વિજેતા સોસાયટીની
એક બાળકીને છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
કલોલના પૂર્વ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ કોલેરા અને ઝાડા
ઉલટીનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી આરસોડીયા સોસાયટી વિસ્તાર
અને પૂર્વ વિસ્તારમાં બાળકોમાં ટાઇફોઇડના કેસ આવવાનું પ્રમાણ વધ્યું છે. જેને
કારણે લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. કલોલની હોસ્પિટલમાં ટાઇફોઇડના પાંચ બાળકોને દાખલ
કરવામાં આવ્યા છે. શહેરની રાજેશ હોસ્પિટલ અને કલરવ હોસ્પિટલમાં બાળકોને દાખલ કરી
સારવાર આપવામાં આવી રહી છે.
કલોલ પૂર્વના શિવાલય ટેનામેન્ટ,આનંદ વિહાર અને
વિજેતા સોસાયટીના બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર
છેલ્લા કેટલાક દિવસથી પૂર્વમાં ટાઇફોઇડ સહીતના કેસ સામે આવી રહ્યા છે. અઠવાડિયા
દરમિયાન દસ જેટલા દર્દીઓએ ખાનગી દવાખાનામાં સારવાર લીધી હતી. બેવડી ઋતુુને કારણે
લોકો મોટી સંખ્યામાં બીમાર થઇ રહ્યા છે. કલોલમાં રાત્રી અને વહેલી સવારે ઠંડીનો
ચમકારો જોવા મળી રહ્યો છે જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આ
સંજોગોમાં દવાખાનામાં વાઈરલ તાવ સહીતની બીમારીઓના દર્દીઓ જોવા મળી રહ્યા છે. તંત્ર
દ્વારા જરૃરી પગલાં ભરી ટાઇફોઇડને રોકવા કામગીરી કરાય તે જરૃરી બન્યું છે.