આઈપીએલ ક્રિકેટ ઉપર ઓનલાઇન સટ્ટો રમતા પાંચ ઝડપાયા : બે વોન્ટેડ
જિલ્લામાં ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિમાં સતત વધારો
પોલીસે ચાર અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને ૫૦ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુના દાખલ કર્યા
દર વર્ષે આઈપીએલની ક્રિકેટ મેચ શરૃ થતાની સાથે રાતોરાત
રૃપિયા કમાવવા માટે યુવાનો સટ્ટાની પ્રવૃત્તિમાં સંકળાય જતા હોય છે અને લાખો
રૃપિયા ખોઈ બેસતા હોય છે. જિલ્લામાં આ પ્રકારની પ્રવૃત્તિ સતત વધી રહી છે ત્યારે
પોલીસ પણ મેચ ઉપર સટ્ટો રમતા સટોડીયાઓને પકડવા માટે દોડી રહી છે ત્યારે ગાંધીનગર
એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શહેરના રોડ નંબર ૬ ઉપર તુલસી
એપાર્ટમેન્ટ પાસે આઈપીએલ ઉપર ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા મનોજ અમરતભાઈ પટેલ રહે, જી ૩૦૩ શ્યામ
સ્ટેટસ સરગાસણ અને શુભમ ગિરીશભાઈ પટેલ રહે,
પ્લોટ નંબર ૪૮ ઇન્દ્રપ્રસ્થ એવન્યુ સરગાસણને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી
૩૧ હજારનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો બીજી બાજુ એપ્લિકેશનનો પાસવર્ડ આપનાર
સેક્ટર-૨૪ના અનિલ જશુભાઈ સુથારની શોધખોળ શરૃ કરવામાં આવી હતી. તો બીજી બાજુ
એલસીબીની ટીમ દ્વારા રાયસણના પ્રમુખ કોર્પોરેટ પાસે પાન પાર્લર નજીક ઓનલાઇન
ક્રિકેટ સટ્ટો રમતા એરિક કાતકકુમાર પટેલ રહે,
મકાન નંબર ૪ સ્પર્શ પેલેસ પીડીપીયુ રોડ રાયસણને ઝડપી લીધો હતો જ્યારે પાસવર્ડ
આપનાર બોપલના મેહુલકુમાર બાબુલાલ રાવળ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બીજી
બાજુ આ જ સ્થળેથી કિશન કુમાર અતુલભાઇ બારોટ રહે, પીલવાઈ ગામ વિજાપુરને પણ ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી
લઇને કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત ચિલોડા પોલીસ દ્વારા પણ છાલા ગામમાં
ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા સમીરઅલી
સોકતઅલી કાજીને ઝડપી લેવામાં આવ્યો હતો. જેની સામે પણ ગુનો દાખલ કરી ૧૩ હજાર
ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.