પૂર્વ કોર્પોરેટના પુત્રની હત્યા પહેલાં વિક્રમ પર થયેલા ખૂની હુમલામાં બાબર સહિત 5 હુમલાખોર જેલમાં ધકેલાયા
વડોદરાઃ નાગરવાડા વિસ્તારના પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ પરમારના પુત્ર તપનની હત્યાના બનાવ પહેેલાં મહેતાવાડી ખાતે તેના મિત્ર વિક્રમ પર ખૂની હુમલો કરવાના ગુનામાં બાબર પઠાણ સહિત પાંચ આરોપીઓને કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
તપનની હત્યા પહેલાં મહેતાવાડી ખાતે રવિવારે રાતે બનેલા ખૂની હુમલાના બનાવ અંગે ધર્મેશ પટેલે ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેણે કહ્યું હતું કે,રાતે હું મારા મિત્રો સાથે ઉભો હતો ત્યારે વિક્રમ લોહીથી લથબથ હાલતમાં દોડતો આવ્યો હતો અને બાબરે તેની છાતીમાં ચાકુ હુલાવી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું કહ્યું હતું.
વિક્રમને તેનો ભાઇ દિવ્યાંગ સ્કૂટર પર હોસ્પિટલમાં લઇ જતો હતો ત્યારે બાબર હબીબખાન પઠાણ,તેનો ભાઇ મહેબૂબ પઠાણ,ત્રીજો ભાઇ સલમાન ઉર્ફે સોનુ પઠાણ (રહે.સ્કૂલ નં.૧૦ પાસે,નાગરવાડા) તેમજ વસિમ નૂરમહંમદ મનસૂરી(હાથીખાના) અને એઝાઝ અહેમદભાઇ મોપારા(આમલેટની લારી પાસે,નાગરવાડા) દોડતા આવ્યા હતા.
બાબરના હાથમાં ચપ્પુ હતુ.વસિમ પાસે દંડો હતો અને અન્ય ત્રણ પાસે પથ્થર હતા.વિક્રમને બચાવવા જતાં મારા પર પણ તેમણે હુમલો કર્યો હતો.જેથી કારેલીબાગ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.આ ગુનામાં એસીપી જીબી બંભાણિયાએ પાંચેય આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી તમામને જ્યુ. કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.