ભાયલી ગેંગ રેપના પાંચ આરોપીઓને વિડિયો કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ કરાયા
કુલ 6 દિવસના રિમાન્ડ બાદ પોલીસે વધારાના રિમાન્ડની માગ નહી કરતા કોર્ટે તમામ આરોપીઓને જેલમાં મોકલી આપવા હુકમ કર્યો
વડોદરા : ભાયલી ગેંગ રેપના આરોપીઓના વધારાના ૪ દિવસના રિમાન્ડ પણ આજે પૂરા થતાં તમામ પાંચ આરોપીઓને વિડિયો કોન્ફરન્સ માધ્યમથી કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા અને પોલીસે વધુ રિમાન્ડની માગ નહી કરતા કોર્ટે તમામને જેલમાં ધકેલી દેવા હુકમ કર્યો હતો.
ગત તા.૪ ઓક્ટોબરે બીજા નોરતાની રાત્રે ભાયલીના સીમ વિસ્તારમાં પોતાના મિત્ર સાથે બેઠેલી સગીરાને ઝાડીમાં લઇ જઇને ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યુ હતું. બે બાઇક ઉપર આવેલા પાંચ આરોપીઓ પૈકી બે આરોપી જતા રહ્યા હતા જ્યારે ૩ આરોપીઓએ ગેંગરેપ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે ટૂંક સમયમાં જ પાંચ આરોપીઓ મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા, શાહરૃખ કિસ્મત બંજારા, સૈફઅલી મહેંદી હસન બંજારા અને અજમલ સતાર બંજારાની ધરપકડ કરીને તા.૮ ઓક્ટોબરે કોર્ટમાં રજૂ કર્યા હતા અને ૧૪ દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે પોલીસ હોમવર્ક કરીને આવી નહી હોવાથી કોર્ટે માત્ર ૨ દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા. બે દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ પોલીસે વધારાના ૭ દિવસના રિમાન્ડ માગ્યા હતા, જેની સામે કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે આજે પૂર્ણ થયા હતા.
પ્રથમ વખત મળેલા બે દિવસના રિમાન્ડ બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે પોલીસે આરોપીઓની સુરક્ષાની ચિંતા વધુ સતાવતી હતી અને તે સમયે પણ કોર્ટમાં પાછલા બારણેથી આરોપીઓની એન્ટ્રી કરાવી હતી. આજે પણ આરોપીઓની સુરક્ષાની ચિંતા વ્યક્ત કરીને પોલીસે કોર્ટ સમક્ષ વિડિયો કોન્ફરન્સ દ્વારા આરોપીઓને રજૂ કરવાની માગ કરી હતી, જે કોર્ટે મંજૂર રાખી હતી.