દારૃ, ચોરી, લૂંટ અને મારામારીના કેસમાં સંડોવાયેલા પાંચ આરોપીઓને પાસા
આરોપીઓને ભાવનગર, ભૂજ, રાજકોટ, પાલનપુર જેલમાં મોકલી આપવામાં આવ્યા
વડોદરા,શહેરના અલગ - અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૃ, ચોરી, લૂંટ અને મારામારીના કેસમાં સંડોવાયેલા પાંચ આરોપીઓની પીસીબી પોલીસે પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
ગોત્રી વાસણા ગામની બાજુમાં ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા જયેશભાઇ ભગવાનભાઇ ભરવાડ કાર લઇને જતા હતા. તે સમયે બાઇક સાથે અકસ્માત થતા ઝઘડો થયો હતો. જયેશે પોતાના સાગરીતોને બોલાવી જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ બાકીના રૃપિયાની ઉઘરાણીમાં મારામારી થઇ હતી. જે અંગે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પીસીબી પોલીસે આરોપી જયેશની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી આપ્યો છે.
આજવા રોડ પર દુકાનદાર તથા ફ્રૂટની લારીઓ વાળાને ધમકાવી લૂંટ ચલાવવાના ગુનામાં સામેલ આરોપી જાફર આરીફભાઇ ઘાંચી ( રહે. સના કોમ્પલેક્સ, સરદાર એસ્ટેટ પાસે, આજવા રોડ)ની પાસા હેઠળ અટકાયત કરી ભૂજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જાફર સામે ચોરી, લૂંટ અને મારામારીના કુલ ૨૦ ગુનાઓ નોંધાયા છે.
છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડીને ભાગી જનાર આરોપી વિજયકુમાર રમણભાઇ પરમાર ( રહે. મોટા ફોફળિયા ગામ, તા.શિનોર, જિ.વડોદરા) ની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી સામે કુલ ૧૯ ગુનાઓ નોંધાયા છે.
૭.૪૯ લાખના દારૃના કેસમાં પકડાયેલા આરોપી મનોજ ઉર્ફે પાપડ શંકરભાઇ નરસીંગાણી ( રહે. નર્મદેશ્વર સોસાયટી, ગોરવા) ની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી સામે દારૃ અને મારામારીના મળી કુલ ૭ ગુનાઓ નોંધાયા છે.
જ્યારે ૩૨.૧૬ લાખના વિદેશી દારૃના કેસમાં પકડાયેલા આરોપી મેહુલ નટવરભાઇ કહાર ( રહે. સૂર્યા ફ્લેટ,વાઘોડિયા રોડ) ની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી સામે કુલ પાંચ ગુનાઓ નોંધાયા છે.