ભાયલી ગેંગરેપના પાંચ આરોપીઓ વધુ ચાર દિવસના રિમાન્ડ પર
આરોપીઓએ સિમકાર્ડ કાઢીને છાણી રામાકાકાની દેરી પાસે ફેંકી દીધું
આરોપીઓને કોર્ટમાં લવાયા ત્યારની તસવીર |
વડોદરા : બીજા નોરતે ભાયલી ગામની સીમમાં રાત્રે મિત્ર સાથે બેસેલી સગીરા પર ગેંગરેપના આરોપીઓ પાંચ આરોપીઓના બે દિવસના રિમાન્ડ આજે બપોરે પુરા થતાં તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વધારાના ૭ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
રીઢા ગુનેગારની જેમ આરોપીઓ પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યા છે, આરોપી પાસેથી કબજે કરેલા બાઇકના પણ કોઇ કાગળ નથી
મોબાઇલ ફોન કોની પાસે છે તેની વિગતો આરોપીઓ એકબીજા ઉપર ઢોળી રહ્યા છે. જ્યારે શાહરૃખ બંજારાએ કહ્યું હતું કે વડસર નજીક વિશ્વામિત્રી નદીમાં ફેંક્યો છે. તે સ્થળે શોધખોળ કરી પરંતુ મોબાઇલ મળ્યો નથી. પ્રબળ શંકા છે કે ફોન શાહરૃખે છુપાવ્યો છે. ફોનનું સીમકાર્ડ કાઢીને છાણી રામાકાકની દેરી પાસે ફેંક્યુ હોવાનું આરોપી કહી રહ્યા છે તો તેની શોધખોળ બાકી છે.
સૈફઅલી પાસેથી ગુનામા વપરાયેલ બાઇક કબજે કરવામાં આવ્યુ છે પરંતુ તેના દસ્તાવેજો નથી એટલે આ બાઇક ચોરીનું છે કે કોઇની પાસેથી પડાવીને લીધુ છે તે તપાસ કરવાની બાકી છે. આરોપીઓ ભાગતા ફરતા હતા ત્યારે તેનો આશરો આપનાર કોણ હતુ ? તેઓ કોના સંપર્કમા હતા વગેરે બાબતની તપાસ બાકી છે.
પૂર્વ આયોજિત કાવતરુ હોવાની સાથે આરોપીઓ શિકારની શોધમાં જ નીકળ્યા હતા તેવી પોલીસને શંકા
આરોપીઓએ ભૂતકાળમાં ગેંગરેપ જેવા અન્ય ગંભીર ગુનાઓને અંજામ આપ્યો હોવાની પણ શક્યતો
બે દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીઓને પુછ્યુ કે રાત્રે ભાયલી વિસ્તારમાં નીકળવાનું કારણ શું હતું. તો આરોપીઓએ કહ્યું હતું કે ગરબા જોવા માટે નીકળ્યા હતા. પરંતુ પોલીસે પાંચ આરોપીઓના મોબાઇલના તે દિવસના લોકેશન ટ્રેસ કરતા જાણવા મળ્યુ કે આરોપીઓે જે વિસ્તારોમા ફર્યા હતા તે રૃટ ઉપર એક પણ ગરબા ગ્રાઉન્ડ આવતુ નથી. જેનાથી પોલીસને પ્રબળ શંકા છે કે પૂર્વ આયોજીત કાવતરુ કરીને અથવા તો કોઇના દોરી સંચારથી આરોપીઓ શીકારની શોધમાં જ નીકળ્યા હશે. આરોપી જે રીતે પોલીસને ગોળગોળ ફેરવે છે તેના પરથી પણ પોલીસને લાગી રહ્યું છે કે ભૂતકાળમાં આ નરાધમોએ ગેંગરેપ જેવા અન્ય ગંભીર ગુનાઓને અંજામ આપ્યો હોઇ શકે.