દાહોદના નકલી કચેરી કૌભાંડમાં ઝડપાયેલા પાંચ ભેજાબાજો જેલમાં
મુખ્ય ભેજાબાજો અબુબકર અને એઝાઝ સામે બેંક એકાઉન્ટો ખોલવા અંગે પણ ફરિયાદ નોંધાઇ હતી
દાહોદ તા.૧૮ છોટાઉદેપુર જિલ્લામાં નકલી સિંચાઇ કચેરી કૌંભાંડમાં દાહોદ જિલ્લા પોલીસે થોડા દિવસો પહેલા ધરપકડ કરેલા પાંચ આરોપીઓના રિમાન્ડ પુરા થતાં પાંચેયને જેલમાં મોકલી દેવાયા હતાં.
છોટાઉદેપુર જિલ્લામાં નકલી સિંચાઇ કચેરી કૌંભાંડમાં એક પછી એક અધિકારીઓથી લઈ કર્મચારીઓ દાહોદ જિલ્લા પોલીસની રડારમાં આવતાં પોલીસે અત્યાર સુધી ૧૧ આરોપીઓની ધરપકડ કરી છે. તા.૧૪ ડિસેમ્બરના રોજ વધુ પાંચ આરોપીઓ પી.એ.મયુર પ્રકાશ પરમાર (રહે.પંચમુખી રેસિડેન્સી, દાહોદ), આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પોખરાજમલ બાબુભાઈ રોઝ (રહે. જાંબુવા, તોરણ ફળિયા, ગરબાડા), કોમ્પ્યુટર ઓપરેટર પ્રદીપ ભીમાભાઇ મોરી (રહે.દીપનગર સોસાયટી, લીંમડી), જૂનિયર ક્લાર્ક ગીરીશ દલાભાઈ પટેલ (રહે.સહકારનગર, દાહોદ) અને આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર સતિષ અશોકભાઈ પટેલ (રહે.કૃષ્ણનગર સોસાયટી, લુણાવાડા)ની ધરપકડ કરવામાં આવી હતી.
ઝડપાયેલા પાંચેય આરોપીઓને રિમાન્ડ માટે રજૂ કરતાં તેઓના ચાર દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતાં. આજે આ પાંચેયના રિમાન્ડ પુરા થતાં પાંચેયને દાહોદની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતાં. ગઇકાલે નકલી કચેરી કૌંભાંડનો મુખ્ય સુત્રધાર ગણાતો અબુબકર ઝાકીરઅલી સૈયદ તથા તેનો ભાઈ એજાઝહુસેન ઝાકીરઅલી સૈયદ વિરૃધ્ધ દાહોદ જિલ્લાના રણધીકપુર પોલીસ મથકે વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. આ બંન્ને ભાઈઓએ બે વ્યક્તિઓના નામે બેન્ક એકાઉન્ટ ખોલી સરકારને કુલ રૃા.૪૫.૦૮ લાખની છેતરપીંડી કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.