વડોદરા રેન્જની નર્સરી દ્વારા પ્રથમવાર રુખડો અને અંકોલના રોપા તૈયાર કરાશે
નર્સરીઓમાંથી દોઢ મહિનામાં ૨ લાખમાંથી ૯૦ ટકા જેટલા રોપાઓનું વિતરણ કરાયું
વડોદરા: શહેરમાં રુખડો (બાઓબાબ) અને અંકોલના વૃક્ષની સંખ્યા વધે તે હેતુથી વડોદરા રેન્જની સયાજીબાગ, ફાજલપુર અને પોરની નર્સરીઓમાં આ બંને વૃક્ષના રોપા તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું કે ચોમાસુ શરુ થતા જ બોરસલી, સીતાઅશોક,આસોપાલવ, રાવણતાડ, જાંબુ વગેરેના બીજ રોપવાનું ચાલુ થઈ જાય છે. જેના એક વર્ષમાં રોપા તૈયાર થઈ જશે. શહેરમાં રુખડાની સંખ્યા માંડ બેથી ત્રણ છે જેથી તેની સંખ્યા વધારવા માટે ભાવનગરથી તેના બીજ મંગાવી ૧૦૦ જેટલા રોપા તૈયાર કરવા માટે પ્રયોગ ચાલી રહ્યો છે. રુખડાનો વિકાસ ધીમો હોવાથી તેને ઘટાદાર બનતા ૬૦થી ૭૦ વર્ષનો સમયગાળો લાગે છે પરંતુ એકવાર મોટું થયા પછી તે ૩૦૦થી ૪૦૦ વર્ષ કોઈપણ કાળજી વગર જીવી જાય છે. તેના ફળ વિટામીન સીથી ભરપૂર હોય છે. જેના જ્યુસનો સૌથી વધારે આફ્રિકાના લોકો ગરમીમાં ઠંડક મેળવવા પીવે છે. આ વૃક્ષની બખોલોમાં પોપટ, મેના, ચીબરી જેવા પક્ષીઓ વસવાટ કરે છે.
બીજી તરફ અંકોલના પણ મોટી સંખ્યામાં રોપા તૈયાર થઈ રહ્યા છે. મોટા વૃક્ષની નીચે થતું આ અંકોલ વહેતા પાણીની આસપાસ સૌથી વધુ જોવા મળે છે. તેનું લાકડુ ખૂબ મજબૂત અને પાંદડા લાંબા હોય છે. શહેરના મુખ્ય રસ્તા પર તો આ ઝાડ ક્યાંય જોવા મળતું નથી પરંતુ વિશ્વામિત્રીના કાંઠે અમુક જગ્યાએ જોવા મળે છે.
આ વર્ષે વડોદરા રેન્જની ત્રણેય નર્સરીઓમાં ૨ લાખ જેટલા વિવિધ વૃક્ષોના રોપા તૈયાર કરાયા હતા. જેનું નિઃશુલ્ક વિતરણ પાંચમી જૂન પર્યાવરણ દિનથી શરુ કરાયેલું અત્યારસુધીમાં ૯૦ ટકા રોપાનું વિતરણ થઈ ચૂક્યું છે. લોકોએ સૌથી વધારે આંબળા, પીપળો, વડ, લીમડો, વાંસ, કણજી, શરુ અને તુલસીના રોપા લીધા છે.
ઉપરાંત તાજેતરમાં બાવડ, આંબલી, જાંબુ, લીમડો અને ગરમાળાના ૮૦૦થી વધારે સીડબોલ લોકવિજ્ઞાાન કેન્દ્રને આપવામાં આવ્યા હતા.જેમાંથી ૫૫૦ જેટલા સીડબોલ પાવાગઢ અને વડોદરામાં એમ.એસ.યુનિ. અને અકોટા વિસ્તારમાં વહેતી વિશ્વામિત્રીના કાંઠે ફેંકીને ૭૦ જેટલા છોડ રોપ્યા છે.