ગોત્રી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનો પહેલો દર્દી સારવાર માટે દાખલ
૬૭ વર્ષના વૃદ્ધાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી : સયાજીમાં સારવાર લેતા કોરોનાના બે દર્દીઓને રજા અપાઇ
વડોદરા,ગોત્રી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂની મહિલા દર્દી સારવાર માટે દાખલ થઇ છે. ગોત્રી હોસ્પિટલમાં હાલમાં કોવિડના કોઇ દર્દી સારવાર માટે દાખલ નથી. જ્યારે સયાજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના બે દર્દીઓ સારવાર હેઠળ છે.
શહેરમાં શરદી અને ખાંસીના દર્દીઓની સંખ્યા વધી રહી છે. સાથે - સાથે કોવિડ અને સ્વાઇન ફ્લૂના દર્દીઓ પણ સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં આવી રહ્યા છે. સયાજી હોસ્પિટલમાં કોવિડના પાંચ દર્દીઓ પૈકી બે દર્દીઓની તબિયત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે હાલમાં ત્રણ દર્દીઓ હજી સારવાર હેઠળ છે. સયાજીમાં સ્વાઇન ફ્લૂના બે દર્દીઓ સારવાર હેઠળ છે.જેઓની તબિયત સ્થિર છે. ગોત્રી હોસ્પિટલમાં ગયા અઠવાડિયે કોવિડના બે દર્દીઓ સારવાર માટે દાખલ થયા હતા. તેઓની તબિયત સુધરતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પરંતુ, આ સિઝનમાં સ્વાઇન ફ્લૂનો પહેલો દર્દી ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો છે. રેસકોર્સ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા ૬૭ વર્ષના વૃદ્ધાની તબિયત વધુ બગડતા તેઓને ગોત્રી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓને વેન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તેઓની હાલત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું છે.