આરટીઈ હેઠળ પ્રવેશ કાર્યવાહી, વડોદરામાં પહેલા રાઉન્ડના અંતે 2807માંથી માત્ર 226 બેઠકો ખાલી
વડોદરાઃ વડોદરાની ખાનગી સ્કૂલમાં આરટીઈ( રાઈટ ટૂ એજ્યુકેશન એકટ) હેઠળ ધો.૧માં ૨૮૦૭ બેઠકો પર પ્રવેશ માટેના પહેલા રાઉન્ડના અંતે ૨૫૭૧ બેઠકો ભરાઈ ગઈ છે અને હવે માત્ર ૨૨૬ બેઠકો ખાલી રહી છે.જેના માટે પ્રવેશનો બીજો રાઉન્ડ યોજવામાં આવશે પણ તેની તારીખની હજી જાહેરાત કરવામાં આવી નથી.
આરટીઈ હેઠળ ચાલી રહેલી પ્રવેશ કાર્યવાહીમાં પહેલા જ રાઉન્ડમાં અપેક્ષા પ્રમાણે મોટાભાગની બેઠકો ભરાઈ ગઈ છે.વડોદરામાં આરટીઈ હેઠળ પ્રવેશ માટે આ વખતે ૧૦૦૦૦ કરતા વધારે પ્રવેશ ફોર્મ ભરાયા હોવાથી અને તેની સામે બેઠકો ઓછી હોવાથી પ્રવેશ માટે મારામારી સર્જાશે તેવુ પહેલેથી જ લાગી રહ્યુ છે અને પહેલા રાઉન્ડના અંતે મોટાભાગના વાલીઓએ તેમના બાળકો માટે જે પણ સ્કૂલ ફાળવવામાં આવી છે તે સ્વીકારી લીધી છે.
ડીઈઓ કચેરીના સૂત્રોેએ કહ્યુ હતુ કે, પહેલા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમને સબંધિત સ્કૂલમાં જઈને પ્રવેશ કાર્યવાહી પૂરી કરવા માટે એક સપ્તાહનો સમય અપાયો હતો.આ સમય મર્યાદા પૂરી થયા બાદ હવે ૨૨૭ જ બેઠકો ખાલી રહી છે.પ્રવેશ કાર્યવાહી દરમિયાન ૩૫ પ્રવેશ એવા હતા જેને સ્કૂલોએ ખોટા અથવા અયોગ્ય દસ્તાવેજોની શંકાના આધારે રદ કર્યા હતા અથવા વાલીએ સ્કૂલમાં પહોંચ્યા બાદ કોઈને કોઈ કારણસર પ્રવેશ લેવાની અનિચ્છા દર્શાવી હતી.આ બાબતની જાણકારી સરકારના શિક્ષણ વિભાગને પહોંચાડી દેવામાં આવી છે.સૂત્રોનુ કહેવુ છે કે, બાકી રહેલી ૨૨૬ બેઠકો પણ વાલીઓ પ્રવેશ માટે જે તે સ્કૂલમાં નહીં પહોંચ્યા હોવાથી ભરાઈ નથી.જેના પર પ્રવેશ આપવા માટે પ્રવેશનો બીજો રાઉન્ડ હાથ ધરવો પડશે.