યુનિ.ના આગામી વીસીની પસંદગી માટેની સર્ચ કમિટિના પહેલા સભ્યની નિમણૂક કરાઈ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના આગામી વાઈસ ચાન્સેલરની નિમણૂક માટે ૬ મહિના પહેલાથી સર્ચ કમિટિ બનાવવાની પ્રક્રિયા શરુ કરવાની હોય તેની જગ્યાએ યુનિવર્સિટી સત્તાધીશોએ ૩ મહિના પહેલા સર્ચ કમિટિ બનાવવાનું શરુ કર્યું છે.
મળતી વિગતો પ્રમાણે મંગળવારે યુનિવર્સિટીની એકઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી અને તેમાં સર્ચ કમિટિના એક સભ્યનું નામ નક્કી કરવામાં આવ્યું હતું.સરકારના નિયમ પ્રમાણે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટે રાષ્ટ્રીય સ્તરના કોઈ ઈન્સ્ટિટયુટના ડાયરેકટર સ્તરના વ્યક્તિને આ સર્ચ કમિટિના સભ્ય તરીકે પસંદ કરવાના હોય છે.જોકે આ નામને લઈને ગુપ્તતા જાળવવામાં આવી રહી છે.વાઈસ ચાન્સેલરે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોને નામ જાહેર નહીં કરવાની સૂચના આપી છે.
સૂત્રોનું કહેવું છે કે, નામ પસંદ કરીને ચાન્સેલર શુભાંગિનીદેવી ગાયકવાડને મોકલવામાં આવ્યું છે અને તેઓ જે વ્યક્તિની નિમણૂક થઈ છે તેમની સંમતિ લેશે એ પછી જ આગળની કાર્યવાહી થશે.આ અંગે જાણકારી મેળવવા માટે રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાનો સંપર્ક થઈ શક્યો નહોતો.
ઉલ્લેખનીય છે કે, સર્ચ કમિટિના અન્ય એક સભ્યની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.જ્યારે અન્ય એક સભ્ય તરીકે યુજીસીના પ્રતિનિધિ હશે.ત્રણ સભ્યોની કમિટિ દ્વારા જે નામ પસંદ કરાશે તેના પર સરકાર અંતિમ નિર્ણય લેશે.યુનિવર્સિટીના હાલના વીસી ડો.શ્રીવાસ્તવની ટર્મ તા.૯ ફેબુ્રઆરીએ પૂરી થવાની છે.