સ્વાઇન ફ્લૂથી વડોદરામાં પ્રથમ મોત વડોદરાંમાં સ્વાઇન ફ્લૂની સારવાર લેતી ૬૭ વર્ષની વૃદ્ધાનું મોત
ગોત્રીમાં સ્વાઇન ફ્લૂના નવા બે દર્દી તથા સયાજીમાં એક વર્ષની બાળકી સારવાર માટે દાખલ
વડોદરા,શહેરમાં સ્વાઇન ફ્લૂ વકરી રહ્યો છે. રોજ નવા કેસ આવી રહ્યા છે. ચોવીસ કલાકમાં નવા ત્રણ દર્દીઓ ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. જ્યારે ગોત્રી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂની સારવાર લેતી ૬૭ વર્ષની મહિલાનું મોત થયું છે. જેના કારણે તંત્ર દોડતું થઇ ગયું છે.
શરદી ખાંસીની તકલીફ સાથે રેસકોર્સ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલી ૬૭ વર્ષની અકોટા મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેની સારવાર શરૃ કરવામાં આવી હતી. દરમિયાન તેની તબિયત વધુ ખરાબ થતા ગત શનિવારે મોડી રાતે દર્દીને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્રણ દિવસની સારવાર બાદ તેઓનું મોત થયું છે. જોકે, સ્વાઇન ફ્લૂથી જ તેનું મોત થયું છે કે કેમ ? તે હજી નક્કી થયું નથી. પરંતુ, સ્વાઇન ફ્લૂની સારવાર દરમિયાન તે દર્દીનું મોત થયું છે. આજે ગોત્રી હોસ્પિટલમાં ભરૃચનો ૩૨ વર્ષનો યુવાન સ્વાઇન ફ્લૂની સારવાર માટે દાખલ થયો છે. જ્યારે છોટાઉદેપુરની ૫૨ વર્ષની મહિલાનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
જ્યારે સયાજી હોસ્પિટલમાં શિનોર તાલુકાની એક વર્ષની બાળકી સ્વાઇન ફ્લૂની સારવાર માટે દાખલ થઇ છે. સયાજીમાં સ્વાઇન ફ્લૂનો એક દર્દી તથા કોવિડના ચાર દર્દીઓ સારવાર લઇ રહયા છે.