વડોદરા વિસ્તારમાં માણસ પર દિપડાના હૂમલાની પ્રથમ ઘટના
વડોદરાથી માત્ર 14 કિ.મી. દૂર ધનિયાવી ગામે ઘર બહાર વાડામાં સુતા ખેડુત પર દિપડાનો હૂમલો
પ્રતિકાત્મક તસવીર |
વડોદરા : વડોદરાથી માત્ર ૧૪ કિ.મી. દૂર આવેલી ધનિયાવી ગામમાં બુધવારે મોડી રાત્રે દિપડાના હૂમલાની ઘટના નોંધાઇ છે. ઘરના વાડામાં સુતા ૭૫ વર્ષના ખેડુત પર દિપડાએ હૂમલો કર્યો હતો જો કે ખેડુતે હિમ્મતભેર દિપડાના મોઢા પર મુક્કો મારી દેતા દિપડો પલાયન થઇ ગયો હતો. જો કે દિપડાએ હાથમાં બચકુ ભરી લીધુ હોવાથી ખેડુતને વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
75 વર્ષના ખેડુતે દિપડાના મોઢા પર મુક્કા મારીને ભગાડી દીધો, આ વિસ્તારમાં દિપડાએ માણસ પર હુમલો કર્યો હોય તેવી પ્રથમ ઘટના
સારવાર બાદ એસએસજી હોસ્પિટલમાંથી બહાર આવી રહેલા પ્રતાપસિંહ ચૌહાણ |
દિપડાએ પ્રતાપસિંહના ડાબા હાથમાં ખંભા પાસે બચકુ ભરી લીધુ હતુ એટલે તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા જો કે તેઓએ સારવાર માટે સવાર સુધી રાહ જોઇ હતી અને પછી ૧૦૮ એમબ્યુલન્સ દ્વારા તેઓને એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ તેઓને રજા આપી દેવામાં આવી છે. ધનિવાયી ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં દિપડાએ વાસ કર્યો છે. બે કે ત્રણ દિપડા છે. વનખાતાએ આ મામલે હવે તપાસ શરૃ કરી છે. વનખાતાનું કહેવું છે કે આ વિસ્તારમાં દિપડાઓ ઘણા સમયથી રહે છે પરંતુ માણસ પર હુમલાન આ પહેલી ઘટના છે.