કોમર્સ ફેકલ્ટીના પહેલા વર્ષમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટે ૭૫ ટકાએ પ્રવેશ અટકયો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયબીકોમની પહેલી પ્રવેશ યાદી આજે બહાર પાડવામાં આવી છે.જોકે ધો.૧૨ કોમર્સના ઉંચા પરિણામના કારણે પ્રવેશની ટકાવારી પણ ઉંચી રહી છે.રાહતની વાત એ છે કે, વડોદરામાં થયેલા ભારે વિરોધ બાદ સત્તાધીશોએ સ્થાનિક વિદ્યાર્થીઓ માટેની અનામતનો અમલ કરીને અગાઉની જેમ ૭૦ ટકા બેઠકો પર વડોદરાના અને ૩૦ ટકા બેઠકો પર બહારગામના વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે.
મળતી વિગતો અનુસાર પહેલા રાઉન્ડમાં જ કોમર્સ ફેકલ્ટીની તમામ ૫૬૩૮ બેઠકો ભરાઈ ગઈ છે.વડોદરાના વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો વડોદરામાં જનરલ કેટેગરી માટે ૭૫.૮૬ ટકાએ અને વડોદરા બહારના વિદ્યાર્થીઓ માટે જનરલ કેટેગરીમાં ૮૧.૮૬ ટકાએ પ્રવેશ અટકયો છે.
જોકે ઉંચા મેરિટના કારણે વડોદરાના ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે.યુનિવર્સિટી સત્તાધીશો પહેલા એફવાયમાં ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા હતા પણ ગત વર્ષથી બેઠકો ઘટાડી દેવામાં આવી છે.તેમાં પણ આ વખતે ધો.૧૨નુ પરિણામ વધારે આવ્યુ છે અને તેની સામે માત્ર ૫૬૩૮ બેઠકો પર પ્રવેશ અપાયો છે.આ પૈકી ૩૦ ટકા બેઠકો બહારગામના વિદ્યાર્થીઓ માટેની છે.
આ સંજોગોમાં વડોદરાના સેંકડો વિદ્યાર્થીઓ અત્યારની સ્થિતિમાં પ્રવેશથી વંચિત રહી ગયા છે.જોકે પહેલા રાઉન્ડમાં ખાલી પડેલી બેઠક બીજા રાઉન્ડમાં ભરવામાં આવશે પણ કેટલી બેઠકો ખાલી પડે છે તેના આધારે પ્રવેશ નક્કી થશે.અત્યારે એવુ લાગે છે કે, વડોદરાના ઘણા વિદ્યાર્થીઓને બીકોમ કરવા માટે બહારગામ જવુ પડશે અથવા તો તગડી ફી ભરીને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં પ્રવેશ લેવો પડશે. સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતમાં એફવાયની બેઠકો વધારે તેવી શક્યતાઓ ઓછી જ છે.કારણકે ગત વર્ષે બેઠકો ઘટાડવા સામે થયેલા આંદોલન બાદ પણ સત્તાધીશોએ અકકડ વલણ રાખ્યુ હતુ.
બેઠકો વધારવા માટે વિદ્યાર્થી સંગઠનોનો હોબાળો, આંદોલન કરવાની ચીમકી
પ્રવેશ યાદી બહાર પડતા જ વિદ્યાર્થી સંગઠનોએ હોબાળો મચાવ્યો હતો.એનએસયુઆઈ અને ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા કોમર્સ ફેકલ્ટી ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા અને ફેકલ્ટી ડીન સમક્ષ માંગ કરવામાં આવી હતી કે, ધો.૧૨ કોમર્સનુ પરિણામ ઉંચુ આવ્યુ હોવાથી વડોદરાના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે.તેવા સંજોગોમાં કોમર્સ ફેકલ્ટીમાં એફવાયની બેઠકો વધારવામાં આવે.જોકે ફેકલ્ટી ડીને બેઠકો વધારવાનો સ્પષ્ટપણે ઈનકાર કર્યો હતો.દરમિયાન વિદ્યાર્થી સંગઠનોએ પ્રવેશી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખીને આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.
પ્રવેશ યાદીમાં છબરડો, એક વિદ્યાર્થિનીનુ નામ પાંચ વખત
કોમર્સ ફેકલ્ટી સત્તાધીશોએ બહાર પાડેલી પહેલી પ્રવેશ યાદીમાં જ ભારે છબરડા જોવા મળ્યા છે.જેમ કે નીમા નગવાડિયા નામની વિદ્યાર્થિનીનુ નામ પ્રવેશ યાદીમાં પાંચ વખત છે.આ બાબત પણ વિદ્યાર્થી આલમમાં આજે ભારે ચર્ચાનો વિષય બની હતી.