એમ.એસ.યુનિ.માં તા.12-13 જુને ધો.12 પછી પ્રવેશની પહેલી યાદી બહાર પડશે
વડોદરાઃ ગુજરાત સરકારના કોમન એડમિશન પોર્ટલ પર ધો.૧૨ પછી વિવિધ પ્રકારના કોર્સમાં પ્રવેશ માટે એમ.એસ.યુનિવર્સિટી સહિત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં ફોર્મ ભરવાની ડેડલાઈન આજે મધરાતે સમાપ્ત થઈ છે ત્યારે હવે સરકારના એડમિશન પ્રોગ્રામ પ્રમાણે એમ.એસ.યુનિવર્સિટી દ્વારા અલગ અલગ કોર્સમાં વિદ્યાર્થીઓની પ્રવેશ યાદી( પ્રોવિઝનલ) તા.૧૨ અને તા.૧૩ એમ બે દિવસ દરમિયાન મેરિટના આધારે જાહેર કરવામાં આવશે.
જાણકારોનુ માનવુ છે કે, એમ.એસ.યુનિવર્સિટીમાં મોટાભાગના અભ્યાસક્રમોની બેઠકો પહેલી યાદીમાં જ ભરાઈ જાય તેવી શક્યતા છે.પ્રવેશ યાદી બહાર પડયા બાદ તા.૧૪ અને તા.૧૫ના રોજ ફેકલ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓના કોઈ વાંધા કે રજૂઆત હોય તો તે સાંભળવામાં આવશે અને સરકારના કોમન એડમિશન પોર્ટલ થકી વિદ્યાર્થીઓને ફાઈનલ એડમિશન ઓફર કરવામાં આવશે.પહેલી પ્રવેશ યાદીમાં જેમના નામ હશે તે વિદ્યાર્થીઓએ તા.૧૮ થી ૨૫ જુન સુધીમાં જે તે કોર્સમાં પ્રવેશ માટે જે તે ફેકલ્ટીનો સંપર્ક કરવાનો રહેશે.
પહેલા રાઉન્ડમાં બેઠકો ખાલી પડશે તો તે બેઠકો પર તા.૨૭ થી ૨૯ દરમિયાન મેરિટ પ્રમાણે વિદ્યાર્થીઓને એડમિશન ઓફર કરાશે અને આ વિદ્યાર્થીઓએ તા.૧ થી ૭ જુલાઈ દરમિયાન પ્રવેશ માટે જે તે ફેકલ્ટીનો સંપર્ક કરવાનો રહેશે.
એ પછી જરુર પડે તો બેઠકો ભરવા માટે માટે ત્રીજો રાઉન્ડ યોજાશે.જેમાં પ્રવેશ ેમળવનાર વિદ્યાથીઓની યાદી તા.૫ અને ૬ જુલાઈના રોજ બહાર પડાશે.તા.૮ થી ૧૦ જુલાઈ દરમિયાન જે વિદ્યાર્થીઓએ કોઈ જગ્યાએ પ્રવેશ નથી લીધો તેઓ પોતાનો વિકલ્પ બદલી શકશે અને તા.૧૨ થી ૧૬ દરમિયાન વિદ્યાર્થીઓને નવા એડમિશન ઓફર કરવામાં આવશે તથા તા.૧૮ થી ૨૦ જુલાઈ દરમિયાન વિદ્યાર્થીઓએ જ્યાં પ્રવેશ મળ્યો હોય તે ફેકલ્ટીનો સંપર્ક કરવાનો રહેશે.
પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે સમસ્યા સર્જાશે
શૈક્ષણિક આલમના સૂત્રોનુ કહેવુ છે કે, ધો.૧૨ની પૂરક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.પૂરક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે બેઠકો અનામત રાખવા અંગે કોઈ સૂચના હજી સુધી આપવામાં આવી નથી.બીજી તરફ પૂરક પરીક્ષા વિદ્યાર્થીઓ આપશે ત્યાં સુધીમાં પ્રવેશનો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો હશે.આ સંજોગોમાં પૂરક પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે વધારે વિકલ્પ નહીં મળે તેવુ લાગે છે.
પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સના ફોર્મ ભરવાની તારીખ લંબાવીને ૧૩ જુન કરાઈ
વિવિધ યુનિવર્સિટીઓમાં ગ્રેજ્યુએટ બાદ હવે અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટે પણ વિદ્યાર્થીઓએ સરકારના કોમન એડમિશન પોર્ટલ જીકાસ પર પ્રવેશ ફોર્મ ભરવાનુ છે.આ પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ લંબાવવામાં આવી છે.મળતી વિગતો પ્રમાણે વિદ્યાર્થીઓ તા.૧૩ જુન સુધી આ પોર્ટલ પર પ્રવેશ ફોર્મ ભરી શકશે.આમ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને વધારે સમય મળ્યો છે.કારણકે ઘણી જગ્યાએ હજી સુધી ગ્રેજયુએટ કોર્સના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર નથી થયા.