કોર્પો.ની ખંડેરાવ ઓફિસમાં પણ ફાયર સિસ્ટમ ઊભી કરાય છે
બે ત્રણ દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જશે ઃ અત્યાર સુધી નાના સાધનોથી કામ ચલાવ્યે રાખ્યું
વડોદરા, તા.29 રાજકોટમાં ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાયા બાદ સમગ્ર ગુજરાતમાં ઓફિસો, બહુમાળી ઈમારતો, થિએટર્સ, મલ્ટીપ્લેક્સીસ, હોસ્પિટલો, શાળા-કોલેજો વગેરે સ્થળે ફાયર સિસ્ટમ સુસજ્જ કરવાની સૂચના અપાઈ છે, ત્યારે હવે વડોદરા કોર્પોરેશનની ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય કચેરીમાં પણ ફાયર સિસ્ટમ ઊભી કરવામાં આવી રહી છે.
કોર્પોરેશનમાં કમિશનર વિંગ તરફ કે જ્યાં વહીવટી ઓફિસો આવી છે, ત્યાં ગ્રાઉન્ડ પ્લસ- ટુ બિલ્ડિંગ છે અને મેયર સહિત ચૂંટાયેલી પાંખ જ્યાં કાર્યરત રહે છે ત્યાં ગ્રાઉન્ડ પ્લસ- વન બિલ્ડિંગ છે. ફાયર બ્રિગેડના ધારાધોરણો મુજબ અત્યાર સુધી ફાયર એક્સિટિંગવિશર અને સ્મોક ડિટેક્ટર દ્વારા કામ ચલાવાતું હતું, પરંતુ હવે રાજકોટની ઘટના બન્યા બાદ ઓફિસોમાં મોરચા આવતા હોય છે, લોકોનો ધસારો રહેતો હોય છે તેમજ અગત્યના ડોક્યુમેન્ટસ પણ પડયા હોય છે.
આગની કોઈ ઘટના બને તો સુરક્ષા અને સલામતીના પગલાં ત્વરિત લઈ શકાય તે માટે ફાયર હેગન સિસ્ટમ ઊભી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કામગીરી બે ત્રણ દિવસમાં પૂર્ણ થઈ જશે. કોર્પોરેશનની અન્ડર ગ્રાઉન્ડ ટાંકી ૪૦ હજાર લીટરની છે અને ફાયરના ધારાધોરણ મુજબ સ્કવેર મીટર દીઠ પાણીની ક્ષમતા મુજબ ટાંકી બરાબર છે. જેથી કોઈ જોખમ ન થાય અને જરૃરિયાત ન હોવા છતાં આ સિસ્ટમ નાખવામાં આવી રહી છે, તેમ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું.