દાંડિયા બજાર ખાતેની જર્જરિત થઈ ગયેલી ઇમારત તોડી પાડી રૂ.3.59 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન બનાવવામાં આવશે
Vadodara Corporation News : દાંડિયા બજાર સ્થિત જર્જરિત થઈ ગયેલી શિક્ષણ સમિતિની ઓફિસ સાથે આવેલા ફાયર સ્ટેશનની ઇમારત નવી બનાવવા પાછળ કોર્પોરેશન રૂ.3.59 કરોડનો ખર્ચ કરશે જે અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.
દાંડિયાબજાર ખાતે નવીન ફાયર સ્ટેશન બનાવવાના કામે સૌથી ઓછુ ભાવપત્ર ભરનાર ઈજારદાર એચ.કે.રામાણીનુ અંદાજીત રકમ રૂ.3,41,65,169/- થી 5% વધુ મુજબના રૂ.3,59,79,070/-ના ભાવ પત્રને મંજૂર કરવા સ્થાયી સમિતિમાં ભલામણ કરવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકાનાં ઉત્તર ઝોનનાં દાંડિયા બજાર ચાર રસ્તા પાસેનાં પ્લોટમાં અગાઉ G+3 પ્રકારનું જુની શિક્ષણ સમિતીનું બિલ્ડીંગ આવેલ હતું. જેના ગ્રાઉન્ડ ફલોર પર કંટ્રોલ સ્ટેશન તેમજ અન્ય ફલોર ફાયર સ્ટાફ કવાર્ટસ કાર્યરત હતાં. આ બિલ્ડીંગની જર્જરિત સ્થિતિને ધ્યાને લઇ બિલ્ડીંગને ડિમોલીશ કરવામાં આવેલ હતું. હાલમાં ડિમોલેશ કરેલ બિલ્ડીંગનાં સામેનાં ભાગમાં ફાયર ટેન્ડર પાર્ક કરવાની હંગામી વ્યવસ્થા કાર્યરત છે.
વડોદરાના સીટી વિસ્તારમાં અગ્નિશમનની સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ થાય તે હેતુસર નવીન ફાયર સ્ટેશન બનાવવાનાં કામનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર 2 નંગ ફાયર ટેન્ડરના પાર્કીંગની સુવીધા, ફર્સ્ટ ફલોર પર ફાયર વિભાગનાં સ્ટાફને રહેવા માટે કુલ 8 કવાર્ટસની વ્યવસ્થા સહના +4 બિલ્ડીંગનું આયોજન કરવામાં આવેલ છે. આ કામે સિવિલ કામગીરીનાં રૂ.4,31,36,943/-(7% સહ)ના અંદાજને તા.16/12/2023 ના રોજ વહીવટી મંજુરી આપવામાં આવેલી છે.
આ કામે નેટ અંદાજીત રકમ રૂ.3,41,65,169/- માટે તા.13/03/2024 ના રોજ જાહેરાત આપતા તા.01/04/2024 ના રોજ ફૂલ 3 ઈજારદારના ભાવપત્ર આવેલ છે. પ્રિક્વોલીફિકેશન કંડીશન મુજબ ભાવપત્રના ડોક્યુમેન્ટની ચકાસણી કરતા ત્રણે ઈજારદાર ક્વોલીફાય થયેલ છે. જેમાં સૌથી ઓછા ભાવનું ટેન્ડર એચ.કે.રામાણીનું આવેલું છે. તે મંજૂર કરવા સ્થાયી સમિતિને ભલામણ કરવામાં આવે છે તેમ દરખાસ્તમાં જણાવ્યું છે.