નિલેશ પટેલ અને અપુર્વસિંહને રિમાન્ડ રિજિયોનલ ફાયર ઓફિસરે NOC આપવા મોટી રકમ પડાવ્યાની શંકા
એનઓસી આપવા માટે અગાઉ અન્ય કોની પાસેથી રકમ પડાવી તેની એસીબી દ્વારા તપાસ
,તા.5 પંચમહાલ ડેરીની ગોધરા ખાતેની બિલ્ડિંગ માટે ફાયર એનઓસી આપવા માટે વડોદરાની વુડા બિલ્ડિંગમાં આવેલી રિજિયોનલ ફાયર ઓફિસના ક્લાસ વન અધિકારી રિજિયોનલ ફાયર ઓફિસર તેમજ તેમનો એજન્ટ રૃા.૨.૨૫ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા બાદ ક્લાસ વન અધિકારીએ આવી એનઓસી આપવા માટે અન્યો પાસેથી પણ મોટી રકમ પડાવી હોવાની આશંકા સાથે એસીબીએ રિમાન્ડ મેળવ્યા છે.
ગોધરામાં પંચમહાલ ડેરીની બિલ્ડિંગનું ફાયર એનઓસી આપવા માટે રિજિયોનલ ફાયર ઓફિસર નિલેશ ભીખાભાઇ પટેલ (રહે.સત્સંગવીલા, દેવસ્ય સ્કૂલ રોડ, વસ્ત્રાલ, ઓઢવ, અમદાવાદ) અને તેમનો એજન્ટ અપુર્વસિંહ રણજીતસિંહ મહિડા (રહે.માંગલેજ તા.કરજણ) રૃા.૨.૨૫ લાખની લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતાં. ઝડપાયેલા બંને સામે વડોદરા એસીબી દ્વારા ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લાંચની રકમ સાથે ઝડપાયેલા રિજિયોનલ ફાયર ઓફિસર નિલેશ પટેલ અને તેમના એજન્ટ અપુર્વસિંહ મહિડાને આજે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરી એસીબીના પીઆઇ એ.જે. ચૌહાણે ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતાં. એસીબીએ કોર્ટને જણાવ્યું હતું કે રિજિયોનલ ફાયર ઓફિસર નિલેશ પટેલે અગાઉ કોની કોની પાસેથી ફાયર એનઓસી આપવા માટે લાંચની રકમ લીધી છે તેની તપાસ કરવાની છે. એસીબીની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા નિલેશ પટેલ તેમજ તેમના એજન્ટ અપુર્વસિંહને એક દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતાં.
ફાયર ઓફિસરનું પ્રથમ પોસ્ટિંગ અને લાખોની લાંચની ડિમાન્ડ
શહેરની વુડા બિલ્ડિંગમાં આવેલી રિજિયોનલ ફાયર ઓફિસના વડા રિજિયોનલ ફાયર ઓફિસર નિલેશ પટેલનું સરકારી નોકરીમાં સિલેક્શન થયા બાદ આ પ્રથમ પોસ્ટિંગ હતું. વર્ષ-૨૦૨૨માં તેમની વડોદરા ખાતેની કચેરીમાં નિમણૂંક થઇ હતી અને ત્યારથી તેઓ અહી ફરજ બજાવતા હતાં. પ્રથમ પોસ્ટિંગમાં જ તેમણે રૃપિયા પડાવવાનું શરૃ કરી દીધું હતું અને આખરે એસીબીની ટ્રેપમાં ફસાયા હતાં.
નિલેશ પટેલના અમદાવાદ ખાતેના ઘેર એસીબીની સર્ચ
રિજિયોનલ ફાયર ઓફિસર નિલેશ પટેલ સવા બે લાખ રૃપિયાની લાંચની રકમ સાથે ઝડપાયા બાદ એસીબીની અમદાવાદની ટીમ દ્વારા અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા ઘરમાં સર્ચ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ એસીબી દ્વારા કરવામાં આવેલી સર્ચનો રિપોર્ટ વડોદરા કચેરી દ્વારા મંગાવવામાં આવ્યો છે. એસીબીની ટીમ દ્વારા નિલેશ પટેલના એજન્ટ અપુર્વસિંહના ઘેર પણ તપાસ કરવામાં આવી હતી. નિલેશ પટેલ અને અપુર્વસિંહની જોડીએ કેટલાં લોકો પાસેથી પૈસા પડાવ્યા તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.