રાજકોટના અગ્નિકાંડ બાદ વડોદરા જિલ્લામાં તપાસણીની આજથી ઝૂંબેશ
ફાફાયરફાફાયર, એનઓસી સહિતની સલામતી ચકાસવા વિવિધ વિભાગોની ટીમો ત્રાટકશે
વડોદરા, તા.5 રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર તંત્ર હવે જાગ્યું છે. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળું મારવાની જેમ હવે અત્યાર સુધી ગેરકાયદે બાંધકામો તેમજ ફાયર એનઓસી નહી હોવા છતાં ચાલતી સંસ્થાઓ જેમને તંત્ર સાચવતું હતું તેમની સામે કાર્યવાહી કરવા માટે તૈયાર થયું છે. જિલ્લા કલેક્ટરે પણ તાકીદની બેઠક બોલાવીને કોર્પોરેશન હદ વિસ્તાર સિવાયના જિલ્લામાં ઉદ્યોગો સહિત તમામ સંસ્થાઓમાં ચેકિંગ કરવાની સૂચના આપતા કાલથી સમગ્ર તંત્ર આ પ્રવૃત્તિમાં લાગી જવાનું છે.
રાજકોટ જેવી દુર્ઘટનાઓ ટાળવાની તકેદારીના ભાગરૃપે જિલ્લા કલેક્ટરે સંબંધિત ખાતાઓની બેઠક યોજીને આગમચેતીના જરૃરી પગલાં લેવાની સાથે સઘન અને સર્વગ્રાહી ચકાસણી હાથ ધરવાની સૂચનાઓ આપી છે. શિક્ષણ વિભાગ, જિલ્લા પંચાયત, નગર પાલિકા, આરોગ્ય વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત સંબંધિત ખાતાઓને અગ્નિશમન સુરક્ષાની અવગણના કરનારી સંસ્થાઓ સામે કડક પગલાં લેવા કલેક્ટરે સ્પષ્ટ જણાવ્યું છે. વિવિધ વિભાગોને ટીમો બનાવીને શહેર અને જિલ્લામાં સામૂહિક કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા આદેશ કર્યા છે.
જિલ્લા કલેક્ટરે શહેર-જિલ્લામાં ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ, દવાખાના, રેસ્ટોરાં જેવી સંસ્થાઓમાં અગ્નિ શમન સુરક્ષાની વ્યવસ્થાઓની તાત્કાલિક ચકાસણી કરવા સૂચના આપી છે. આ વ્યવસ્થાઓનો અભાવ કે ખામી જણાય, યોગ્ય એનઓસી કે પરવાનગી લેવામાં ના આવી હોય તો કાર્યવાહી કરવાના આદેશો આપી દેવાયા છે.
જોખમી ગણાય તેવા સ્થળોની યાદી તૈયાર કરવામાં આવી છે અને તે મુજબ એસડીએમ, મામલતદાર, ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી તેમજ હેલ્થ, ટીડીઓ, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા હેલ્થ ઓફિસર, જીપીસીબીના ઓફિસર અને ચીફ ઓફિસરોની ટીમ દ્વારા કાલથી વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવશે. તા.૬થી શરૃ થનારા ચેકિંગની કામગીરી તા.૧૧ સુધી પૂર્ણ કરી દેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.