દાહોદ બસ સ્ટેન્ડ પર ઊભેલી ST બસમાં આગથી અફરાતફરી
મુસાફરો ઉતરી જતા બચાવ ઃ એસટી ડેપોના ફાયર સેફ્ટીના કેટલાંક સાધનો કામે ના લાગ્યા
દાહોદ તા.૨૧ દાહોદના બસ સ્ટેશનમાં આજે સાંજે જેસાવાડાથી સુરત જતી એસટી બસ આવીને પ્લેટફોર્મ પર ઊભી રહેતા બેટરીમાં સ્પાર્કની સાથે એન્જિનના ભાગમા ઓચિંતી આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે બસમાં બેસેલા મુસાફરો સમય સૂચકતા વાપરી ઉતરી ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ દાહોદના બસ સ્ટેશન પર આજે સાંજે જેસાવાડાથી સુરત જવા માટે આવેલી બસ પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી હતી. તે સમયે બસમાં બેસેલા મુસાફરો તેમજ ડ્રાઇવર કંડકટર કઈ સમજે તે પહેલા જ બસની બેટરીમાં સ્પાર્કની સાથે વાયરિંગમાં આગ લાગતા જોતજોતામાં બસના એન્જિનમાં આગ પ્રસરી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ દરમિયાન બસમાં બેસેલા મુસાફરો સમય સૂચકતા વાપરીને ઊતરી ગયા હતા.
આગના બનાવના પગલે ભેગા થયેલા લોકોના ટોળાએ બસ મથકમાં લાગેલા ફાયર સેફટીના સંસાધનો વડે આગ ઓલવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તે નિરર્થક સાબિત થયા હતા. ફાયર સેફ્ટીના કેટલાક સંસાધનો ચાલુ ન થતા શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યા હતા. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરોની ટીમ દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધી હતી.