વડોદરામાં માંડવી BOB ની મેઇન બ્રાન્ચમાં આગ, કમ્પ્યુટર રેકોર્ડ અને ફર્નિચર ખાક
વડોદરા,તા.15 જાન્યુઆરી 2024,સોમવાર
વડોદરામાં માંડવી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની મેઇન બ્રાન્ચમાં લાગેલી આગ બેકાબુ બનતા મેજર ફાયર કોલ જાહેર કરી આગ કાબુમાં લેવામાં આવી હતી.
બેંક ઓફ બરોડાની માંડવી વિસ્તારમાં આવેલી મેઇન બ્રાન્ચમાં લાગેલી આગનું કારણ જાણી શકાયું નથી. પરંતુ એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોય તેમ પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે.
આગ એટલી ભીષણ હતી કે તેની જ્વાળાઓ બેંકની બહાર દેખાઈ રહી હતી તેમજ ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા. ઉતરાયણનું પર્વ હોવાથી આસપાસના ધાબાઓ ઉપર હાજર લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઉતરાયણ નિમિત્તે પોલીસનો પણ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાથી ત્યાં હાજર પોલીસની ટીમોએ ટ્રાફિક રોકી લઇ ફાયર બ્રિગેડ માટે અનુકૂળ રસ્તો કરી આપ્યો હતો.
વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા આગનું તાંડવ જોતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ પણ બનાવના સ્થળે દોડી આવ્યા હતા અને બારીઓના કાચ તોડી વેન્ટિલેશન કરવામાં આવ્યું હતું. ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેવામાં આવી હતી. આગમાં મહત્વનો રેકોર્ડ, ફર્નિચર તેમજ એસી કોમ્પ્યુટર સહિતની ચીજ વસ્તુઓને ભારે નુકસાન થયું હતું.