Get The App

ફટાકડાનો તણખો કંતાન પર પડયો હાલોલના ગાંધીચોકમાં શાકભાજી માર્કેટમાં આગથી અફરાતફરી

સાંજે આગના પગલે ગ્રાહકોમાં દોડધામ ઃ છથી સાત લારીઓ આગની લપેટમાં આવી ગઇ

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
ફટાકડાનો તણખો કંતાન પર પડયો  હાલોલના ગાંધીચોકમાં શાકભાજી માર્કેટમાં આગથી અફરાતફરી 1 - image

હાલોલ તા.૨૦ હાલોલ શહેરના ગાંધી ચોકમાં આવેલા શાકભાજી માર્કેટમાં શાકભાજીની લારીઓમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ  હતી. ૬ થી ૭ જેટલી લારીઓને આગને કારણે નુકસાન થયું હતું.

હાલોલ શહેરની મધ્યમાં ગાંધી ચોક ખાતે આવેલ શાકમાર્કેટમાં ઉભી રહેતી શાકભાજીની લારીઓમાં અચાનક આજે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં આગ લાગવાની ઘટના સર્જાતા શાકભાજી માર્કેટમાં દોડધામ મચી ગઇ હતી. એક શાકભાજીની લારીની છત પર છાયડા માટે લગાવેલા સૂકા કંતાનમાં ઊંચે આકાશમાં જઇને ફૂટેલા ફટાકડાના તણખા પડતા સૂકા કંતાનમાં આગ લાગી હતી. 

આ આગમાં એકબીજાની નજીક અડોઅડ ઊભેલી અન્ય શાકભાજીની લારીઓની પ્લારિકની તાડપત્રી તેમજ સૂકા કંતાન અને કપડાઓ ઢાંકેલી છતોને લપેટમાં લઈ લેતા આસપાસની લારીઓ પણ આગની જ્વાળાઓમાં લપેટાતા ભડભડ  સળગી ગઇ  હતી. પાંચથી સાત જેટલી શાકભાજીની લારીઓ આગમાં લપેટાતા સંચાલકો સહિત ગ્રાહકોમાં દોડધામ મચી ગઈ હતી. 

ટ્રાફિકથી સતત ધમધમતા ગાંધી ચોક અને મંદિર ફળિયા જેવા વિસ્તારોમાં આગના પગલે અન્ય લારીઓના સંચાલકોએ આગ લાગે તેવી વસ્તુઓ લારીઓ પરથી દૂર કરી દીધી હતી અને લારીઓને ઊધી પાડી દેતા આગ વધુ પ્રસરતી અટકી હતી જ્યારે ફાયર ફાઇટરોની ટીમ દોડી આવી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી.




Google NewsGoogle News