કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં લાગેલી આગનો ભેદ ખૂલ્યો લેડિઝ ટોઇલેટમાં થયેલા અપમાનનો બદલો લેવા કોઠી કચેરીમાં આગ લગાડી
ખારીવાવરોડ પર રહેતા ૩૬ વર્ષના યુવાનની સીસીટીવી કેમેરાના પૂરાવાના આધારે ધરપકડ
વડોદરા, તા.22 વડોદરાની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલી જૂની કોઠી કચેરીમાં નવા વર્ષના આગલા દિવસે આગની રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલાયો છે. ખાસ જમીન સંપાદન કચેરીની બહાર પડેલા કાગળો અને પોટલામાં આગ લગાડનાર રાવપુરા વિસ્તારના જ એક યુવાનને પોલીસે ઝડપી પાડયો છે.
આ અંગેની વિગત એવી છે કે તા.૧૩ના રોજ સવારે જૂની કોઠી કચેરીમાં દક્ષિણ છેડે ભીષણ આગ લાગી હતી. આગમાં ખાસ જમીન સંપાદન કચેરી તેમજ મધ્યાહ્ન ભોજન યોજનાની કચેરીનો અનેક રેકર્ડ નાશ પામ્યો હતો. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂમાં આવી હતી. આ અંગે ખાસ જમીન સંપાદન કચેરીના નાયબ મામલતદારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી હતી.
જૂની કોઠી બિલ્ડિંગમાં ખરેખર આગ લગાડવામાં આવી કે આકસ્મિક ઘટના હતી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે કલેક્ટર કચેરી તેમજ જે સ્થળે આગ લાગી તેની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવ્યા હતા જેમાં એક શંકાસ્પદ વ્યક્તિ મળી હતી. આ વ્યક્તિ આગ લાગતા પહેલાં અંદર જતો દેખાયો હતો અને આગ બાદ બહાર નીકળતો હતો તે ફૂટેજમાં જણાયું હતું. આ શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને તેને આખરે ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ખારીવાવરોડ પર રહેતા આશરે ૩૬ વર્ષના યુવાનનું આ કૃત્ય હતું તેની પૂછપરછ કરતાં તેણે પોતે આગ લગાડી હોવાની કબૂલાત કરી હતી. તેણે પોલીસને કહ્યું હતું કે એક વર્ષ પહેલાં હું લેડિઝ ટોઇલેટમાં ગયો ત્યારે મારુ અપમાન થયું હતું અને તેનો બદલો લેવા માટે છેલ્લા ઘણા સમયથી મનમાં રોષ લઇને ફરતો હતો. પોતે કાંઇ કરવું જોઇએ જેથી બદલો પૂરો થાય તેવી મનોસ્થિતિ થઇ ગઇ હતી અને તે દિવસે ઉપર જઇને કચેરીની બહાર મૂકેલા કાગળોના ઢગલામાં આગ લગાડી હું ત્યાંથી નીકળી ગયો હતો.
આ અગે પોલીસે વધુ કહ્યું હતું કે પહેલા માળે કાગળોનો જથ્થો વધારે હોવાથી આગ વધુ પ્રસરી હતી અને તે વિનાશક બની હતી. આગ લગાડનાર યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનો બચાવ તેના માતા-પિતા દ્વારા કરવામાં આવ્યો હતો અને તે અંગે સર્ટિફિકેટ પણ રજૂ કર્યું હતું.