ગોત્રીમાં સાત માળની વેલ સ્કવેર બિલ્ડિંગમાં આગ લાગતાં અફરાતફરીઃ15નું રેસ્કયૂ
વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં આવેલી સાત માળની બિલ્ડિંગમાં આજે બપોરે ઇલેકટ્રિક વાયરોની ડકમાં લાગેલી આગના બનાવને કારણે અફરા તફરી મચી હતી.ફાયર બ્રિગેડે બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.આ બનાવમાં એક મહિલા કૂદી પડતાં ઘાયલ થઇ હતી.
ગોત્રી યશ કોમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલા સાત માળના વેલ સ્કવેર બિલ્ડિંગમાં મોટા ભાગની ઓફિસો ચાલુ થઇ નહિં હોવાથી લોકોની સંખ્યા ઓછી હતી.જેને કારણે મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઇ હતી.
આજે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ઇલેકટ્રિક વાયરોની ડકમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી.ડકના વાયરો તમામ ફ્લોર પર જતા હોવાથી ધડાકા સાથે આગના ધુમાડા તમામ ફ્લોર પર છવાયા હતા.બહારથી આખી ઇમારતમાંથી ધુમાડા નીકળતા જોઇ લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા.
ફાયર બ્રિગેડ આવી જતાં ચાર જણાનું રેસ્ક્યૂ કર્યું હતું.જ્યારે કેટલાક લોકો ટેરેસ પર ચડી જતાં બચી ગયા હતા.પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને બનાવની માહિતી મેળવી હતી.
છઠ્ઠે માળે ધુમાડા છવાતાં નીચે દોડી આવેલી મહિલા ફર્સ્ટ ફ્લોરથી નીચે પટકાઇ
વેલ સ્કવેર બિલ્ડિંગના તમામ ફ્લોર પર આગ લાગતાં છઠ્ઠા માળે ઓફિસમાં કામ કરતી મહિલા ગભરાઇને બહાર નીકળી ગઇ હતી.
ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,સુભાનપુરા વિસ્તારમાં રહેતી હેમાંગિની નામની મહિલા દાદર વાટે નીચે ઉતરી ફર્સ્ટ ફ્લોર પર આવી ગઇ હતી.
મુખ્ય આગ ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હોવાથી ત્યાંનું દ્શ્ય જોઇ મહિલા ગભરાઇ ગઇ હતી.તેણે ફર્સ્ટ ફ્લોર પરથી ઉતરવાનો પ્રયાસ કરતાં પગ છટક્યો હતો અને નીચે પડી જતાં કમર અને મોંઢે ઇજા થઇ હતી.
ચોથે માળે યુવકનું બાથરૃમમાંથી અને છઠ્ઠા માળે યુવકનું બંધ ઓફિસમાંથી રેસક્યૂ
આગના બનાવ દરમિયાન ફાયર બ્રિગેડની એક ટીમ તમામ ફ્લોર પરની ઓફિસો તપાસી રહી હતી.જે દરમિયાન ચોથે માળે એક યુવક બાથરૃમમાંથી મળી આવતાં તેને સુરક્ષિત રીતે નીચે લઇ જવાયો હતો.આવી જ રીતે છઠ્ઠા માળે ઓફિસમાં એક યુવકે ધુમાડો ના આવે તે માટે અંદરથી રૃમ લોક કરી દીધો હતો.ફાયર બ્રિગેડે રૃમ ખોલાવી તેનું પણ રેસ્ક્યૂ કર્યું હતું.