વરઘોડામાં ફટાકડા ફોડતા આગ લાગી ઃ બગી સળગી જતા નાસભાગ
વરરાજા સહિત બેને સામાન્ય ઇજા ઃ બગીના ચાલકે ઘોડાને છૂટા કરી દેતા બચાવ
શહેરા તા.૧૪ પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડતી વખતે બગીમાં ભીષણ આગ ફાટી નીકળતા જાનૈયાઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં વરરાજા સહિત બે વ્યક્તિને ઇજા થઇ હતી.
પંચમહાલ જિલ્લાના શહેરા નગરના પરવડી વિસ્તારમાં શૈલેષભાઈ સોમાલાલ શાહના પુત્ર તેજસના લગ્ન પ્રસંગે સોમવારે વરઘોડો નીકળ્યો હતો, વરઘોડામાં હાજર જાનૈયાઓ નાચી રહ્યા હતા તે દરમિયાન ફટાકડા ફોડતી વખતે લગ્નના વરઘોડામાં બગીમાં એકાએક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કોઈ કશું સમજે તે પહેલાં જ દોડધામ મચી ગઇ હતી. જે લોકો ડીજેના તાલે નાચી રહ્યા હતા તેઓ પણ નાસભાગ કરતા નજરે પડયા હતા. જોતજોતામાં આખી બગી આગની લપેટમાં આવી ગઈ હતી અને એક યુવકને ગંભીર ઈજા થઈ હતી જ્યારે વરરાજાને પણ સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ ન હતી.
આ પ્રકારની ઘટના બનતા બગીના ચાલકે બગીના ઘોડા છોડવા પ્રયાસ કર્યો હતો. બગીમાં જે પ્રકારે આગ લાગી છે તે જોતા ખૂબ જ ગંભીર સ્થિતિ ઊભી થઇ હતી. જોકે બગી સાથે જે જનરેટર હતું તે જનરેટરની અંદર આગ લાગી હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી તરફ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો છે.