સયાજી હોસ્પિટલનું તંત્ર નહિં સુધરતાં ફાયર બ્રિગેડનો મોટો નિર્ણય,ફાયર ફાઇટર સાથે ટીમ રિઝર્વ રહેશે
વડોદરાઃ વડોદરા ફાયર બ્રિગેડની ફાયર સેફ્ટીની નોટિસને ધોળી પી જનાર સયાજી હોસ્પિટલના સત્તાધીશો ના સુધરે ત્યાં સુધી ફાયર બ્રિગેડ દ્વારા એક ફાયર ફાઇટર રિઝર્વ રાખવા માટે મહત્વનો અને પહેલીવાર નિર્ણય લીધો છે.
રાજકોટની ગેમ ઝોનની દુર્ઘટના બાદ હાઇકોર્ટના ફટકારથી અન્ય શહેરો પણ એલર્ટ થયા હતા.જેના ભાગરૃપે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા શહેરની હોસ્પિટલો,મોલ,મલ્ટિ પ્લેક્સ,શૈક્ષણિક સંકુલો,હોટલ,કોમર્શિયલ બિલ્ડિંગો સહિતના સ્થળોએ ચેકિંગ કરી ફાયર સેફ્ટી માટે નોટિસો આપી હતી.જેમની પાસે ફાયર સેફ્ટી નથી અથવા તો ખામી છે તેમને તત્કાળ સિસ્ટમ સુધારવા તાકિદ કરવામાં આવી હતી.
આ દરમિયાન મધ્ય ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ સયાજી જનરલ હોસ્પિટલમાં પણ તપાસ દરમિયાન ખામી જણાઇ આવતાં વહીવટકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી.જે તે વખતે વહીવટ કર્તાઓએ કામ ચાલુ છે તેમ મૌખિક જણાવ્યું હતું.પરંતુ હજી સુધી કામ નહિં થતાં ગઇકાલે ઇએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં આગનો બનાવ બન્યો હતો અને તેમાં હોસ્પિટલની ફાયર સિસ્ટમ કામમાં લાગી નહતી.
ઉપરોક્ત બનાવની ગંભીરતા જોતાં ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર પાર્થ બ્રહ્મભટ્ટે જ્યાં સુધી સિવિલ હોસ્પિટલની ફાયર સિસ્ટમ પૂરેપુરી કાર્યરત નહિં થાય ત્યાં સુધી એક ફાયર ફાઇટર સાથેની ટીમ માત્ર સિવિલ હોસ્પિટલ માટે રિઝર્વ રાખવાનો નિર્ણય લીધો છે.