ગુજરાત રિફાઇનરીમાં પ્રચંડ ધડાકા સાથે આગ, બેનાં મોત, 40,000 લોકો પરથી મોટી ઘાત ટળી
Blast in Vadodara Chemical Company : વાર્ષિક 1.37 કરોડ ટન ક્રૂડ રિફાઇનીંગની ક્ષમતા ધરાવતી, આશરે 60 વર્ષ જૂની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની કોઇલી સ્થિત ગુજરાત રિફાઇનરીના બેન્ઝિન સ્ટોરેજમાં સોમવારે બપોરે પ્રચંડ ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળી હતી. સ્ટોરેજ ટેન્કનો ધડાકો એટલો પ્રચંડ હતો કે કોયલી આસપાસના પાંચ કિલોમીટર સુધીના વિસ્તારના મકાનોમાં કાચ તૂટયા હતા કે ધરતીકંપ જેવા કંપનો અનુભવાયા હતા. સદ્નસીબે આ આગમાં એક જ વ્યકિતને ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા છ કલાકથી આગ બૂઝાવવા પ્રયત્ન ચાલી રહ્યો છે. પરંતુ, સફળતા મળી નથી. નિષ્ણાતોના મતે તે ઠારવામાં લગભગ 8 થી 10 કલાક જેટલો સમય લાગી શકે છે. મોડી રાત્રે મળતા અહેવાલ અનુસાર દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત અને બે ઘાયલ થયા છે.
મકાનોના બારી-બારણાં ધણધણી ઉઠ્યા
ગુજરાત રિફાઇનરીમાં સોમવારે બપોરે 1000 કિલો લીટરની કેપિસિટી ધરાવતી બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં અચાનક વિસ્ફોટ થયો હતો અને પ્રચંડ આગ લાગી હતી. રિફાઇનરીની આસપાસનાવ વિસ્તારમાં ઘુમાડાના કાળા ડિબાંગ વાદળો છવાઇ ગયા હતા. રાત્રે 8-20 આસપાસ બેન્ઝિન ટેકની બાજુમાં આવેલી એક ટેકમાં ધડાકાભેર આગ લાગી છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, આસપાસના મકાનોના બારી-બારણાં ધણધણી ઉઠ્યા હતા. કેટલાક સ્થળે કાચમાં પણ તીરાડો પડી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બનાવ બાદ સાયરનોથી સમગ્ર વિસ્તાર ગાજી ઉઠ્યો હતો.
આગમાં એક કર્મચારી દાઝ્યો
રિફાઇનરી,નંદેસરી,રિલાયન્સ વગેરેના ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂમાં લેવા માટે પ્રયાસો થયા હતા.બે કલાક બાદ વડોદરા કોર્પોરેશનના ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. 25 થી વઘુ ફાયર એન્જિનો કામે લાગ્યા હોવા છતાં મોડીસાંજે સાડા સાત વાગ્યા સુધી આગ કાબૂમાં આવી નહતી. આગમાં એક કર્મચારી દાઝ્યો હોવાની પણ પ્રાથમિક વિગતો જાણવા મળી છે.
આ પણ વાંચો : વડોદરા જીવતા બોમ્બ પર બેઠું છે, આસપાસ 1000 કરતાં વધારે કેમિકલ ઉદ્યોગો
બનાવને પગલે કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા.ગ્રામજનોએ રિફાઇનરી અને આસપાસનો વિસ્તાર તેમના માટે જોખમરૂપ બની રહ્યો હોવાથી ચિંતા વ્યક્ત કરી હતી. રિફાઇનરીમાં વિસ્ફોટ સાથે આગ લાગવાનો બનાવ બન્યો ત્યારે કેટલાક લોકોએ ધરતીકંપ થયો હોવાનું માની લીઘું હતું.
કોયલીના અશ્વિન પટેલે કહ્યું હતું કે, બપોરે હું ઘરમાં હતો ત્યારે એકાએક પ્રચંડ વિસ્ફોટ સાંભળતાં ધરતીકંપ થયો હોવાનું માની બહાર નીકળી ગયો હતો. આ વખતે બીજા પણ લોકો બહાર આવી ગયા હતા. ઘુમાડાના ગોટેગોટા જોઇ અને ફાયર બ્રિગેડના વાહનોની દોડાદોડી જોઇ અને સાયરનો સાંભળી રિફાઇનરીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.
વડોદરા સ્થિત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગ્યા બાદ રિફાઈનરીના અધિકારીઓના જીવ તાળવે ચોંટયા હતા.
200 કરતા વધારે વ્યક્તિઓ આ કામગીરીમાં સામેલ
મળતી વિગતો પ્રમાણે આ ટેન્કની આગ બૂઝાવવા માટે માત્ર રિફાઈનરીના જ નહીં પણ જીએસએફસી, જીએસીએલ, રિલાયન્સ તથા અંકલેશ્વર અને ભરુચના ફાયર ફાઈટરોની પણ મદદ લેવામાં આવી રહી છે.લગભગ 30 કરતા વધારે ફાયર ફાઈટરો આગ બૂઝાવવાની કામગીરીમાં રોકાયેલા છે. 200 કરતા વધારે વ્યક્તિઓ આ કામગીરીમાં સામેલ હતા.
સૂત્રોએ કહ્યું હતું કે, જે ટેન્કમાં બ્લાસ્ટ થયો છે તેની આસપાસ બીજી સાત જેટલી ટેન્કો છે.તેમાં બેન્ઝિનની સાથે સાથે સ્લોપ ટેન્કોનો સમાવેશ થાય છે.સ્લોપ ટેન્કોમાં ક્રુડ ઓઈલ પર પ્રોસેસ કરવામાં આવતો હોય છે.આ ટેન્કોને બચાવી લેવા માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.આ માટે જે ટેન્કમાં આગ લાગી છે તેના પર બપોરથી સતત પાણીનો અને કેમિકલ ફોમનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.આ કામગીરી આખી રાત ચાલુ રાખવી પડશે.જેથી બીજી ટેન્કોને અસર ના થાય.
રિફાઈનરીની કર્મચારી આલમમાં એવી પણ ચર્ચા છે કે, રિફાઈનરીમાં હવે વધારેને વધારે કામગીરીઓ કોન્ટ્રાકટ પરના કર્મચારીઓને સોંપવામાં આવી રહી છે.કોન્ટ્રાકટ પરના કર્મચારીઓ નિયમિત કર્મચારીઓ જેટલા ભણેલા નથી હોતા અને તેના કારણે અકસ્માત થવાનો ભય વધી જાય છે તેમજ સંવેદનશીલ કામગીરી આપીને કોન્ટ્રાકટ પરના કર્મચારીઓનો જીવ પણ જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે.