ભરૃચ નજીક પશ્ચિમ એક્સપ્રેસના જનરલ કોચમાં આગથી અફરા તફરી
ઇલેક્ટ્રિક બોર્ડમાં શોર્ટ સકટથી ધુમાડા થયા હતા, ટ્રેનમાં હાજર રેલવે કર્મચારીઓએ આગ બુઝાવ્યા બાદ ટ્રેન રવાના કરવામાં આવી
અંકલેશ્વર : અંકલેશ્વર ભરૃચ વચ્ચે જુના બોરભાઠા ગામ પાસે આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં મુંબઈથી અમૃતસર જતી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં આગના છમકલાથી દોડધામ મચી ગઇ હતી. ટ્રેનને તુરંત રોકી દેવાઇ હતી અને મુસાફરોને ઉતારીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જે બાદ ટ્રેનને રવાના કરાઇ હતી.
પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન આજે મુંબઇથી તેના નિર્ધારિત સમયે અમૃતસર જવા રવાના થઇ હતી દરમિયાન ટ્રેન જુના બોરભાઠા પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે એન્જિનથી બીજા નંબરના જનરલ કોચમાં ધૂમાડાના ગોટા નીકળતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા અને કોચમાં દોડધામ મચી ગઇ હતી. આ દરમિયાન લોકો પાયલોટે ટ્રેનને રોકી દીધી હતી. ટ્રેનમા હાજર રેલવે કર્મચારીઓ જનરલ કોચમાં દોડી આવ્યા હતા અને તપાસ કરતા જાણવા મળ્યુ કે કોચના દરવાજાની પાછળ આવેલે ઇલેક્ટ્રિક બોર્ડમાં શોર્ટ સકટ થવાને કારણે ધુમાડા થયા હતા. પેેસેન્જરોને કોચમાંથી ઉતારી દેવાયા હતા અને રેલવે કર્મચારીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ પર કાબુ મેળવ્યા બાદ ટ્રેનને ભરૃચ રવાના કરાઇ હતી. દરમિયાન ભરૃચ રેલ્વે સ્ટેશન ઉપર નગરપાલિકાના બે ફાયર ટેન્ડરોને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. ભરૃચ ખાતે પણ જનરલ કોચમાં ટેકનિશિયનો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યુ હતુ અને સુરક્ષાની ખાત્રી થયા બાદ ટ્રેનને આગળ રવાના કરાઇ હતી.
મુસાફરે કરેલા ધુમ્રપાનના કારણે આગ લાગી હોવાની સંભાવના : પશ્ચિમ રેલવે
પશ્ચિમ રેલવેનું આ મામલે કહેવુ છે કે આજે સાંજે પાંચ વાગ્યે પશ્ચિમ રેલવે ભરૃચ પહોંચે તે પહેલા જનરલ કોચના વચ્ચેના દરવાજાની પાછળ રબરના ગેસ્કેટમાંથી સામાન્ય ધુમાડો નીકળ્યો હતો. ટ્રેનના કર્મચારીઓ આગ બુઝાવી હતી જે બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.તમામ યાત્રીઓ સુરક્ષીત છે. કોઇ મુસાફરે કરેલા ધુમ્રપાનના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આ મામલે રેલવેએ પોતાના સ્તરે તપાસ શરૃ કરી છે.