વડોદરામાં ગોરવા બીઆઇડીસીની પોસ્ટ ઓફિસમાં આગ : કોઈ જાનહાની નહીં, મહત્વના કાગળો સળગી ગયા
વડોદરા,તા.18 ઓગસ્ટ 2023,શુક્રવાર
વડોદરા શહેરની ગોરવા બીઆઇડીસીમાં આવેલ પોસ્ટ ઓફિસમાં ગતરાત્રે 9:00 કલાકે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું. જોકે પાણીનો મારો ચલાવતા અગાઉ ફાયર લાસકરોએ વીજ સપ્લાય કાર્યરત છે કે નહીં તે માટે ડીસીબીનો ઉપયોગ કર્યો હતો. જોકે ત્યારબાદ સ્થાનિક ઇલેક્ટ્રીકસ અને વીજ સપ્લાય બંધ હોવાનું જણાવતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગમાં ફર્નિચર તથા ડોક્યુમેન્ટ સહિતનો સામાન સળગી જતા નુકસાન પહોંચ્યું છે. ધુમાડાના ગોટેગોટા હોવાથી બચાવ કાર્યમાં પરેશાની ઉદ્ભવી હતી. આગ લાગવા પાછળ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક અનુમાન છે.