વડોદરાના પહેલા સ્માર્ટ બાપોદ પોલીસ સ્ટેશનના રેકોર્ડરૃમમાં આગ
વડોદરાઃ શહેરના આજવા-વાઘોડિયા રિંગરોડ પર છ વર્ષ પહેલાં બનેલા અને વડોદરાના પહેલા સ્માર્ટ પોલીસ સ્ટેશન તરીકે ઓળખાતા બાપોદ પોલીસ સ્ટેશનના રેકોર્ડરૃમમાં આજે આગ લાગતાં રેકોર્ડનો નાશ થયા હતો. પોલીસ સ્ટેશનમાં નીચેના ભાગે ફાયર સેફ્ટીની સુવિધા હતી પરંતુ ખરા સમયે તેનો ઉપયોગ થઇ શક્યો નહતો.
બે માળના બાપોદ પોલીસ સ્ટેશનનું વર્ષ-૨૦૧૬માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તત્કાલીન પોલીસ કમિશનર ઇ રાધાક્રિષ્ણને આ પોલીસ સ્ટેશન વડોદરાનું પહેલું સ્માર્ટ પોલીસ સ્ટેશન બની રહેશે તેવી જાહેરાત કરી હતી.બાપોદ પોલીસ સ્ટેશનમાં ટેરેસ પર સોલાર સિસ્ટમ પણ મૂકવામાં આવી છે.જ્યારે,ટેરેસ પર જતા પહેલાં એક રેકોર્ડ રૃમ બનાવવામાં આવ્યો છે.
આજે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં એકાએક રેકોર્ડરૃમમાંથી ધુમાડા નીકળવા માંડયા હતા.થોડી વારમાં ધડાકા શરૃ થયા હતા અને જોતજોતામાં આગની ચપેટમાં રેકોર્ડ આવી ગયો હતો.જેને કારણે પોલીસ જવાનોએ દોડધામ કરી મૂકી હતી.
પાણીગેટ ફાયર બ્રિગેડની બે ટીમો આવી ગઇ હતી પાણી તેમજ ફોમનો મારો ચલાવી પોણો કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.આગમાં વર્ષ-૨૦૧૫થી બે વર્ષનો રેકોર્ડ ખાક થયો હોવાનું જાણવા મળ્યું છે.આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક રીતે સોલાર પેનલમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાય છે.
પોલીસ સ્ટેશનોમાં અગાઉ પણ આગના બનાવ બન્યા હતા
વડોદરાના પોલીસ સ્ટેશનોની બહાર અગાઉ પણ આગ લાગવાના બનાવો બન્યા છે.ભૂતકાળમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તિજોરીમાં આગનું છમકલું થયું હતું.
ભૂતકાળમાં ક્રાઇમ બ્રાન્ચની કચેરી સ્વામિનારાયણ મંદિર પાસે હતી ત્યારે ફટાકડાને કારણે વાહનોમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.જ્યારે,મકરપુરા પોલીસ સ્ટેશનમાં પણ આવી જ રીતે આગમાં વાહનો લપેટાયા હોવાનો બનાવ બન્યો હતો.
છાણી પોલીસ સ્ટેશન તેમજ કિશનવાડી પોલીસ સ્ટેશનની બહાર પણ ગુનાના કામે પકડાયેલા વાહનોમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.જેથી પોલીસ સ્ટેશનોમાં ફાયર સેફ્ટી વધુ જરૃરી બની છે.
ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે ધડાકા સંભળાતા હતા
પાણીગેટ ફાયર સ્ટેશનના ઓફિસર અમિત ચૌધરીએ કહ્યું હતું કે,અમે જ્યારે પહોંચ્યા ત્યારે ધુમાડા સાથે આગના ચમકારા દેખાઇ રહ્યા હતા.રેકોર્ડરૃમમાંથી ધડાકા પણ સંભળાઇ રહ્યા હતા.ઉપરના ભાગે અમને ફાયર સેફ્ટીના સાધનો નજરે પડયા નહતા.જેથી અમારી ટીમોએ પાણીની પાઇપ ઉપર લઇ જઇ આગ કાબૂમાં લીધી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
કમ્પ્યુટરાઇઝેશન કરાયું હોવાથી રેકોર્ડ ફરી મળી રહેશે
બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ વી ચૌધરીએ કહ્યું હતું કે,સોલાર પેનલમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાય છે.આગમાં વર્ષ-૨૦૧૫થી ત્રણ વર્ષના રેકોર્ડને નુકસાન થયું છે. પરંતુ રેકોર્ડનું કમ્ય્યુટરાઇઝેશન કરી દેવાયું હોવાથી આ તમામ રેકોર્ડ ફરી મળી રહેશે.