MGVCLની ભારે દબાણની વીજ લાઈન નીચે કડિયા કામ કરતા યુવાનના મોત અંગે બિલ્ડર સહિત ત્રણ સામે ગુનો
Vadodara MGVCL : વાઘોડિયા તાલુકાના ગોરજ ગામની સીમમાં યુનિવર્સલ બંગલોઝ નામની સ્કીમમાં કડિયા કામ કરતા નાહટીયા કસનભાઈ મુનિયા ઉંમર વર્ષ 28નું વિજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની તપાસ વાઘોડિયા પોલીસે હાથ ધરી હતી. જેમાં એવી વિગત બહાર આવી હતી કે મનનાર નાહટિયાભાઈ તેની પત્ની દીપા સાથે લેબર કોન્ટ્રાક્ટર ફેજલભાઈ સાથે કડિયા કામ કરતા હતા. ફેજલભાઈએ યુનિવર્સલ બંગ્લોઝ નામની સ્કીમમાં બંગલો બાંધવાનું કામ રાખ્યું હોવાથી મરનાર અને તેની પત્ની બંને સાઇટ ઉપર કડિયા કામ કરતા હતા.
આ બંગ્લોઝની સ્કીમ ઉપરથી એમજીવીસીએલની ભારે દબાણની ગોરજ જ્યોતિગ્રામ વીજ લાઈન પસાર થતી હતી. આ વીજ લાઈન ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના કારણે મકાન ઉપર કામ કરતા નાહટિયા મુનિયાને વિજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. આમ બેદરકારી રાખવા બદલ યુનિવર્સલ બંગલોઝના બિલ્ડર મહેશ દામજીભાઈ દેસાઈ રહે સુરત સાઈટના સુપરવાઇઝર દીપક દામજીભાઈ દેસાઈ રહે અક્ષય આશ્રય સોસાયટી ખટંબા ગામ તેમજ લેબર કોન્ટ્રાક્ટર ફેજલભાઈ સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.