છીપવાડમાં આવેલી મિલકત તબદિલી અંગે અશાંતધારાની પરવાનગીનો બનાવટી લેટર બનાવ્યો : મિલકત વેચનાર તથા ખરીદનાર સામે ગુનો દાખલ
image : Freepik
Duplicate Document Crime : વડોદરામાં સંવેદનશીલ વિસ્તારમાં આવેલી મિલકત અંગે પોલીસ કમિશનર અને મામલતદાર દ્વારા મિલકત તબદિલ કરવા અંગે નેગેટિવ અભિપ્રાય આપવામાં આવતા મિલકત વેચનાર તથા ખરીદનાર દ્વારા અશાંતધારાની પરમિશનનો ખોટો લેટર તૈયાર કરવામાં આવ્યો હતો. જે અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
છીપવાડ વિસ્તારમાં આવેલી મિલકતના દસ્તાવેજમાં અશાંતધારાની પરવાનગીનો હુકમ બોગલ હોવાનું નાયબ કલેક્ટર દ્વારા સબ રજિસ્ટારને જણાવવામાં આવ્યું હતું. જે અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેની પ્રાથમિક તપાસ કરી પોલીસે રિપોર્ટ આપ્યો હતો. તેમાં અશાંતધારાની પરવાનગીનો રિપોર્ટ પ્રાથમિક દ્રષ્ટિએ ખોટો હોવાનું પ્રસ્થાપિત થયું હતું. માંજલપુર સન સિટિ ડૂપ્લેક્સની બાજુમાં નક્ષત્ર હેબીટેડમાં રહેતા લતાબેન જયસૂર્યકાંતભાઇ શાહે છીપવાડમાં આવેલી મિલકત ઇલીયાસ યુસુફભાઇ શેખ (રહે.ખત્રી પોળ, મોટી છીપવાડ)ને તબદિલ કરવા માટે નાયબ કલેક્ટર વડોદરાને અરજી આપી હતી. જે અંગે મામલતદાર પૂર્વ દ્વારા જુલાઇ-2021 માં નેગેટિવ અભિપ્રાય આપવામાં આવ્યો હતો. તથા પોલીસ કમિશનર દ્વારા પણ ઓગસ્ટ-2021 માં નેગેટિવ અભિપ્રાય આપવામાં આવ્યો હતો. જેથી, મિલકત તબદિલી અંગેની અરજી નામંજૂર કરવામાં આવી હતી. જેથી, લતાબેને અમદવાદ મહેસૂલ વિભાગમાં અપીલ કરી હતી. જે કેસ ફરીથી નાયબ કલેક્ટરમાં રિમાન્ડ કરવામાં આવ્યો હતો. જે મેટર પેન્ડિંગ છે.
ત્યારબાદ લતાબેને નાયબ કલેક્ટરની મંજૂરી મેળવી હોવાનું જણાવી દસ્તાવેજ નોંધણી માટે ઓક્ટોબર-2023 માં રજૂ કર્યો હતો. દરમિયાન મોટી છીપવાડના નાગરિકોએ જાન્યુઆરી-2024 માં અરજી કરી આક્ષેપ કર્યો હતો કે, અશાંત ધારાની મંજૂરી ખોટી રીતે મેળવી છે. તેથી તેની નોંધ નહીં પાડવા રજૂઆત કરી હતી. જેની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પોલીસ દ્વારા આવો કોઇ અભિપ્રાય મોકલવામાં આવ્યો નથી. જેથી, લતાબેન તથા ઇલ્યાસ યુસુફભાઇ શેખે નિલેશ પટેલ મારફતે નાયબ કલેક્ટર વડોદરા શહેરના નામનો અશાંત ધારાનો બનાવટી પત્ર તૈયાર કરી દસ્તાવેજ નોંધણી કરવા માટે રજૂ કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું.