કામદારોના આંગળા કપાવાની ઘટનામાં મંજુસરની બહુચર્ચિત રાજ ફિલ્ટર કંપનીનાં માલિકો સામે આખરે ગુનો
કામદારના આંગળા કપાયા બાદ હોસ્પિટલનો ખર્ચ આપવાનો વાયદો કર્યા બાદ માલિકો ફરી ગયા હતાં
સાવલી તા.૧૬ સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં આવેલ બહુચર્ચિત રાજ ફિલ્ટર નામની કંપનીમાં ૨૦થી વધુ કામદારોના ચાલુ નોકરી દરમિયાન વારંવાર આંગળા કપાઈ જવાની ઘટનામાં કંપની માલિકોની નિષ્ક્રિયતાની વિરુદ્ધ મંજુસર પોલીસે માલિક પિતા પુત્ર સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મંજુસર પોલીસ મથકે જુવાનસિંહ રયજીસીહ ગોહિલ (રહે.વિટોજ, તા. સાવલી ભાથીજીવાળુ ફળિયું)એ ફરિયાદમાં નોંધાવ્યું છે કે વર્ષ ૨૦૧૦થી રાજ ફિલ્ટર કંપનીમાં પ્રેસ ઓપરેટર તરીકે નોકરી કરું છું. તા.૨ ફેબુ્રઆરીના રોજ કંપનીમાં કામ કરતી વખતે અંગૂઠા પાસેની ત્રણ આંગળીઓ કપાઈ ગઈ હતી. બનાવના દિવસે કંપનીમાં એમ્બોઝ (ઢાંકણા) તૈયાર કરવાના પ્રેસ મશીન પર પ્રેસ ઓપરેટર તરીકે કામ કરતો હતો ત્યારે જે કોપરનું ઢાંકણું બનતું હોય અને બની ગયા બાદ તે ઢાંકણાને મશીનમાં હાથ કાઢીને નાખવાનું હોય છે જેને રનીંગ સ્ટોક કહેવામાં આવે છે.
ઢાંકણા તૈયાર થયા બાદ તેનો રિજેક્ટ માલ પાવર પ્રેસ મશીનના સ્ટોક થઈ જાય તેને મશીનમાંથી કાઢતી વેળાએ મશીન હાથ પર પડતા અંગૂઠા પછીની ત્રણ આંગળીઓ અડધી કપાઈ ગઈ હતી જેથી બૂમાબૂમ થતા ગોત્રી ખાતેની ઈએસઆઇ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તે સમયે કંપનીના એચ આર મેનેજર રૃતુલ પરીખે સારવારનો ખર્ચે આપવાનું કહ્યું હતું પરંતુ કંપનીએ કોઇ ખર્ચ આપ્યો ન હતો.
મંજુસર પોલીસે આ અંગે કંપનીના માલિક શબ્બીરભાઈ અબ્દુલ હુસેન થાનાવાલા અને મુફદ્દલ શબ્બીરભાઈ થાનાવાલા (બંને રહે. ફતેગંજ, અમન ટાવર પાસે વડોદરા) વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.