પાવાગઢની તળેટીમાં પ્રતિબંધિત ફાયરિંગ બટ વિસ્તારમાં ગયેલા પાદરાના ભાજપના ધારાસભ્યના ભાઇ મયુરધ્વજ સામે આખરે ગુનો

પાદરાના તે સમયના પીઆઇ કે.જે. ઝાલા મયુરધ્વજસિંહ ઝાલાને સાથે લઇ ગયા હતાં ઃ મયુરે એ.કે.૪૭ રાયફલ હાથમાં પણ લીધી હતી

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
પાવાગઢની તળેટીમાં પ્રતિબંધિત ફાયરિંગ બટ વિસ્તારમાં ગયેલા  પાદરાના ભાજપના ધારાસભ્યના ભાઇ મયુરધ્વજ સામે આખરે ગુનો 1 - image

વડોદરા, તા.24 પાવાગઢ ફાયરિંગ બટના પ્રતિબંધિત વિસ્તારમાં પીઆઇ કે.જે. ઝાલા સાથે જઇને પોલીસની એ.કે.૪૭ રાયફલ હાથમાં લઇ સોટ્ટા પાડનાર વડોદરા જિલ્લાના પાદરાના ભાજપના ધારાસભ્યના ભાઇ મયુરધ્વજસિંહ પ્રતાપસિંહ ઝાલા સામે જિલ્લા પોલીસની તપાસ બાદ આખરે હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.

વડોદરા જિલ્લાના મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.આર. ચૌધરીએ હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મયુરધ્વજસિંહ પ્રતાપસિંહ ઝાલા (રહે.ચતુરપાર્ક સોસાયટી, પાદરા) સામે જાહેરનામા ભંગની નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે  પાવાગઢ ફાયરિંગ બટ એસઆરપી જુથ-૫ના તાબામાં આવેલ છે. આ ફાયરિંગ બટમાં ફાયરિંગ પ્રેક્ટિસ માટે તા.૧ જાન્યુઆરીથી તા.૨૮ ફેબુ્રઆરી સુધી એટલેકે બે માસ સુધી ફાયરિંગ પ્રેક્ટિસ અંગેનું જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પાડી આ સ્થળ પર કોઇ અનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ માટે મનાઇ ફરમાવવામાં આવી હતી.

વડોદરા જિલ્લા પોલીસને તા.૨૫થી ૨૮ ફેબુ્રઆરી સુધી ચાર દિવસ વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ માટે ફાળવવામાં આવ્યા હતાં. તા.૨૭ના રોજ ફાયરિંગ બટ ઇન્ચાર્જ તરીકેની ફરજ મને સોંપવામાં આવી હતી જેથી હું ત્યાં હાજર હતો. ફાયરિંગ બટ વિસ્તારમાં કોઇ અનઅધિકૃત વ્યક્તિ ના પ્રવેશે તે માટે ફાયરિંગ બટના રેડ ઝોન એરિયામાં ઝંડી પણ લગાવવામાં આવી હતી. સવારે પ્રથમ અધિકારીઓની પ્રેક્ટિસ પૂરી થઇ હતી અને બાદમાં કર્મચારીઓની પ્રેક્ટિસ ચાલતી હતી.

આ વખતે ફાયરિંગ બટથી દૂર જંગલ વિસ્તારમાં હું કુદરતી હાજતે ગયો હતો અને પરત ફર્યો ત્યારે પાદરાના પીઆઇ કે.જે. ઝાલા તેમજ એક ખાનગી કપડાં પહેરેલી વ્યક્તિ બટ બાજુથી બહાર જતા જણાઇ હતી જેથી આ અંગે સ્ટાફને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે પાદરાના પીઆઇ એક ખાનગી વ્યક્તિને લઇને બટ ઉપર આવેલ અને તે ખાનગી વ્યક્તિ ટાર્ગેટ-૧૦ સામે પડેલી એકે ૪૭ રાયફલ નિરિક્ષણ માટે હાથમાં લીધી હતી જો કે તેને ફાયરિંગ કર્યુ ન હતું. આ અંગે તે સમયે જ ડીએસપીને ગુપ્ત રિપોર્ટ કર્યો હતો જેની તપાસ ડભોઇ ડીવાયએસપીને સોંપવામાં આવી હતી અને બાદમાં જાણવા મળ્યું  હતું કે ફાયરિંગ બટની પ્રતિબંધિત જગ્યામાં પીઆઇ કે.જે. ઝાલા પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઇ મયુરધ્વજસિંહ પ્રતાપસિંહ ઝાલાને લઇને આવ્યા હતાં. પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે પીઆઇ કે.જે. ઝાલા ૧૦ વર્ષના અનુભવી પીઆઇ હોવા છતાં તેઓ ખાનગી વ્યક્તિને પ્રતિબંધિત વિસ્તારમાં લાવ્યા  હતાં.




Google NewsGoogle News