નાના ઉદ્યોગો દેશના અર્થતંત્રની સૌથી મોટી શક્તિ છે, નાણામંત્રીનો ઉદ્યોગો સાથે સંવાદ
વડોદરાઃ ભારતના અર્થતંત્રની સાચી તાકાત નાના ઉદ્યોગો છે તેમ ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારામને આજે વડોદરામાં ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથેના સંવાદ કાર્યક્રમમાં કહ્યુ હતુ.
વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ વડોદરા શહેર અને જિલ્લાના ઉદ્યોગોના ૧૬ ઔદ્યોગિક સંગઠનોના ફોરમ ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ એસોસિએશન દ્વારા આજે ઉપરોક્ત કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં હાજર રહેલા નિર્મલા સીતારામને કહ્યુ હતુ કે, કોવિડના કારણે સર્જાયેલી કપરી સ્થિતિમાંથી ભારતીય અર્થતંત્ર બહાર આવ્યુ હતુ અને એ પછી અમેરિકા-ચીન વચ્ચે વણસેલા સબંધો, યુક્રેન-રશિયા વચ્ચેનુ યુધ્ધ, ઈઝરાયેલ અને હમાસના જંગ જેવા વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનુ અર્થતંત્ર દુનિયામાં સૌથી ઝડપથી વિકસી રહેલુ અર્થતંત્ર બન્યુ છે અને તેણે આખી દુનિયાનુ ધ્યાન ખેંચ્યુ છે.
તેમણે આગળ કહ્યુ હતુ કે, કોર્પોરેટ ટેક્સ ઘટવાના કારણે કંપનીઓને રાહત મળી છે અને દેશ વન નેશન, વન ટેક્સેશન તરફ આગળ વધી રહ્યો છે.દેશની આર્થિક નીતિઓમાં સુધારા ચાલુ રહેશે. ૨૦૪૭ સુધીમાં વિકસિત દેશ બનવાના રસ્તા પર ભારત આગળ વધી રહ્યુ છે.દેશના કૃષિ ક્ષેત્રને હજી પણ મુકત કરવાની અને તેમાં વધારા સુધારા કરવાની જરુર છે.જેથી ખેડૂત માટે ખેતી નુકસાનની જગ્યાએ ફાયદાકારક બની શકે છે.કેટલાક લોકો ભારત મેન્યુફેકચરિંગનુ હબ ના બની શકે તેવુ માનીને સલાહ આપી રહ્યા છે પણ તેમની આ સલાહ ખોટી છે.ભારતના નાના ઉદ્યોગોનુ ભારતની ઈકોનોમીમાં મોટુ યોગદાન રહેલુ છે અને તે ભારતની સાચી ંંતાકાત છે.તેની સાથે સાથે મોટા ઉદ્યોગો પણ ભારત માટે જરુરી છે.
નાણામંત્રીએ કહ્યુ હતુ કે, આત્મનિર્ભર ભારત માટે લોકોએ ભારતમાં બનેલી પ્રોડકટસનો આગ્રહ રાખવો પડશે.હવે સરકાર ડિફેન્સથી માંડીને દરેક ક્ષેત્રમાં ભારતની જરુરિયાતની વસ્તુ ભારતમાં જ બની શકે તે માટે પ્રોત્સાહન આપી રહી છે .ડિફેન્સ, સોલાર ઈક્વિપમેન્ટ, ઈ-વ્હીકલ, મોબાઈલ હવે ભારતમાં બનીર હ્યા છે.વિકસિત ભારતનો રસ્તો કૃષિ ક્ષેત્ર, સનરાઈઝ સેકટર(્ર રીન્યૂએબલ એનર્જી), મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેકટર પર આધારિત છે.
૨૦૪૭માં ૭૦ કરોડ લોકો મિડલ ક્લાસ હશે
ગુજરાતમાં બે અને આસામમાં એક સેમિ કન્ડકટર પ્લાન્ટ બનશે
નિર્મલા સીતારામનના કહેવા પ્રમાણે ગુજરાતમાં બે અને આસામમાં એક જગ્યાએ સેમિ કન્ડકટર પ્લાન્ટ બનવા જઈ રહ્યા છે અને આ પ્લાન્ટમાં તમામ રોકાણ ભારતીય કંપનીઓનુ છે.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, ૨૦૩૩માં ભારતમાં ૩૦ કરોડ લોકો મિડલ ક્લાસ કેટેગરીમાં હશે અને ૨૦૪૭માં આ સંખ્યા ૭૦ કરોડ પર પહોંચશે.આ પરિસ્થિતિમાં દેશની આર્થિક સત્તા મિડલ ક્લાસના હાથમાં હશે.અન્ય એક મુદ્દા પર તેમણે કહ્યુ હતુ કે, અત્યારે મિડલ ઈસ્ટમાં જે પ્રકારનો માહોલ છે તે જોતા આગામી બે વર્ષ બાદ દેશના અર્થતંત્ર સામે કયા પ્રકારનો પડકાર હશે તેની ધારણા બાંધવી મુશ્કેલ છે.કારણકે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુધ્ધ શરુ થયુ ત્યારે કોઈએ વિચાર્યુ પણ નહોતુ કે તેમાં ઈરાન પણ ઝંપલાવશે.