પુત્રને છોડી દેવા મુદ્દે પુત્રની માતા-પ્રેમિકા વચ્ચે મારામારી : મામલો બિચકતા સામસામે ફરિયાદ
Vadodara News : મારા દીકરા સાથે કેમ ફરે છે? છોડી કેમ દેતી નથી તેમ કહેતા પ્રેમીની માતા અને પ્રેમિકા વચ્ચે બીચકેલા મામલામાં હાથાપાઈ અને મારામારી થતા બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવતા ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગોરવા પોલીસ મથકે પરિણીતા હેમાંગીનીબેન (26) દરજીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બોરવા આનંદવન કોમ્પલેક્ષ પાછળ શિવ શક્તિ સોસાયટીમાં રહેતા નિમેષ દરજી સાથે સાત વર્ષ અગાઉ લગ્ન થયા છે. દશામાં મંદિર ચોકડી પાસેના ઓમ ફ્લેટમાં રહેતી પ્રિયંકા પંકજ દુબલા(35)ને પતિ નિમેષ સાથે પ્રેમ સંબંધ છે. દારૂના રવાડે ચડેલ પતિનો પીછો છોડાવવા તેના એના માતા-પિતા અને પત્ની હેમાંગીની પ્રેમિકા પ્રિયંકાને વારંવાર સમજાવતા હતા. આ બાબતે મામલો બીચકતા નિમેષની માતાએ પ્રિયંકાને ફોન કર્યો હતો. મારા દીકરા સાથે કેમ ફરે છે તેની સાથે પ્રેમ સંબંધ કેમ રાખે છે, અને દારૂ કેમ પીવડાવે છે તેમ કહેતા પ્રિયંકા ક્રોધે ભરાઈ હતી. તાબડતોબ પ્રેમીના ઘરે પહોંચી હતી. પ્રેમીની માતા અને પ્રિયંકા વચ્ચે બોલાચાલી થતા બીચકેલા મામલામાં પ્રેમિકાએ નિમેષની માતાને બે-ત્રણ લાફા ઝીકી દીધા હતા. આ અંગે મામલો બિચકતા થયેલી મારામારીમાં પ્રિયંકાના કપડા પણ ફાટી ગયા હતા. જ્યારે નિમેષની માતાને શરીરે વધતી ઓછી ઇજા થઈ હતી. આ અંગે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવાઈ છે.