સોમાતળાવની સોસાયટીમાં બાળકોના ઝગડા બાદ મોટેરાઓ વચ્ચે મારામારી
દ્વારકેશ સોસાયટી પાસે મારામારીમાં ત્રણને ઇજા ઃ બંને પક્ષોની સામસામે ફરિયાદ
વડોદરા, તા.18 સોમાતળાવ વિસ્તારમાં આવેલી સોસાયટીના કમ્પાઉન્ડમાં બાળકો વચ્ચે થયેલો ઝઘડો ઉગ્ર બન્યો હતો અને મોટેરાઓ વચ્ચે હિંસક મારામારી થતાં બંને પક્ષોના પાંચ સભ્યો ઘાયલ થયા હતાં.
દ્વારકેશ રેસિડેન્સીમાં રહેતા નિરજ અશોક સોનીએ નજીકમાં આવેલા સનક્લાસિક એપાર્ટમેન્ટમાં રહેતા જીત, જીતના પિતા, જીતની માતા અને મામા સામે કપુરાઇ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ફર્નિચરનો વેપાર કરું છું તા.૧૬ના રોજ મારી પુત્રીના નામકરણનો પ્રસંગ રાખ્યો હોવાથી સંબંધીઓ મારા ઘેર આવ્યા હતાં. પ્રસંગ પૂર્ણ થતાં મોટી બહેન ગીતાને રેલવે સ્ટેશન છોડવા જતો હતો ત્યારે નાની બહેન તેજલ વર્માનો ફોન આવેલ કે તું જલદી ઘેર આવી જા બાજુની સોસાયટીમાં રહેતા લોકો આપણી સોસાયટીના પાર્કિંગમાં ઝઘડો કરવા આવ્યા છે જેથી હું ઘેર આવ્યો હતો ત્યારે જીત તેમજ તેના વાલીઓ મને ધમકી આપી જતા રહ્યા હતાં. આ અંગે મારી બહેનને પૂછતાં તેણે જણાવ્યું હતું કે મારો પુત્ર જય અને હરીશનો પુત્ર આયુષ બંને સાઇકલ ફેરવતા હતા ત્યારે જીત સાથે બોલાચાલી થઇ હતી. બાદમાં ઝઘડાની અદાવત રાખી જીત તેમજ તેના સંબંધીઓ ફરી આવ્યા હતા અને મારા ભાઇ હરીશ તેમજ મને માર મારી ધમકી આપી હતી.
સામા પક્ષે અંજના હિતેન્દ્ર પટેલે અનુપ વર્મા, તેજલબેન વર્મા, નિરજ સોની, અને હરીશ સોની સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ઘેર હતી ત્યારે સોસાયટીમાં નીચે જોર જોરથી અવાજ આવતાં હું નીચે ઉતરી ત્યારે મારા પુત્ર જીતની સાથે નજીકની સોસાયટીમાં મહેમાન તરીકે આવેલા અનુપ વર્મા ઝઘડો કરતો જણાયો હતો. આ અંગે મેં પુત્રને પૂછતાં તેણે જણાવેલ કે અનુપના છોકરાએ મારી સાથે મઝાક કરતાં મેં તેને તું હજી નાનો છે તેમ કહ્યું હતું આ વખતે તેના પિતા આવી જતા જીતે મારુ ગળું પકડયું છે તેમ તેના પિતાને ખોટું કહેતા અનુપે મને લાફા મારી દીધા હતાં. આ અંગે મેં અનુપને છોકરાને કેમ મારો છો તેમ કહેતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને પાંચ દિવસમાં તને જોઇ લઇશ તેવી ધમકી આપી જતા રહ્યા હતાં. આ વાત મેં મારા પતિ અને ભાઇ નિલેશને કરતાં તેઓ ઘેર આવી ગયા હતા અને નિરજના ઘેર તેને સમજાવવા ગયા ત્યારે તેઓ ઉશ્કેરાઇને મારા પતિ, પુત્ર તેમજ ભાઇને લાકડાના ડંડાથી માર માર્યો હતો.